ભુજ સુધરાઇમાં મેકેનિક કે તેની શાખા ન હોવા છતાં મંજૂર થાય છે તાતિંગ ખર્ચ

ભુજ, તા. 21 : શહેર સુધરાઇમાં નથી કોઇ મેકેનિક શાખા કે નથી કોઇ મેકેનિક કામનો ડીગ્રીધારી કર્મચારી તેમ છતાં દર વર્ષે વાહનો પાછળ મસમોટા ખર્ચના બિલ મંજૂર થઇ રહ્યા છે. તાજેતરમાં જ મળેલી સામાન્ય સભામાં કચેરીના વાહનો પાછળ અંદાજે 22 લાખથી વધુ ખર્ચનો ઠરાવ કરાયો હતો. ભુજ સુધરાઇમાં મેકેનિક શાખા હવે રહી નથી પરંતુ દર વર્ષે કચેરીના વાહનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવાઇ રહ્યો છે. મોટા ભાગના વાહનો ધક્કા મારી ચલાવાતા હોય છે તો અનેક વાહનોમાં જાણીજોઇને ખર્ચા ઊભા કરાતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નવા વાહનોની હાલત પણ થોડા સમયમાં જૂના જેવી થઇ જાય છે અને નિયમિત ખર્ચની યાદીમાં મુકાઇ જાય છે. સુધરાઇમાં તો આ કામનો કોઈ પણ તજજ્ઞ નથી તેમ છતાં વાહનોના મરંમત પાછળ ખર્ચનું લિસ્ટ મોટું પણ સામાન્ય સભા બુકમાં નાના અક્ષરે દર્શાવાય છે. જો આ બાબતે તપાસ થાય તો બહારના મેકેનિક સાથેની મોટી સાંઠગાંઠ બહાર આવે અને લોકોના નાણાંનો વેડફાટ થતો અટકી જાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જો મન હોય તો માળવે જવાય તેમ અધિકારી-પદાધિકારીઓની ઇચ્છાશકિત મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer