ભુજપુર ગામે આજથી ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ

ભુજપુર (તા. મુંદરા), તા. 21 : કંઠી વિસ્તારમાં જૈન સમાજની બહોળી સંખ્યા ધરાવતા ભુજપુર ગામે ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની 178મી ધજાના પાવન પ્રસંગે તેમજ ગુરુદેવશ્રીના 51મા સુવર્ણ સંયમનો સત્સંગ કાર્યક્રમ અને સ્થાનિક પાંગળાપોળ સંકુલમાં 2 પશુ આવાસનું ઉદ્ઘાટન સમારોહ સહિત ત્રિદિવસીય કાર્યક્રમ ભકિતભાવથી ઊજવાશે.તા. 22ના પ્રથમ દિવસે સવારના 8.30 કલાકે સંયમ સુવર્ણ મહોત્સવના સોનેરી અવસરે પધારતા પ.પૂ. આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.નું ગામના ઝાંપેથી વાજતે-ગાજતે સામૈયું થશે. 9.30 કલાકે પૂ.શ્રીના સંયમ જીવન વિશે વિશેષ કાર્યક્રમ, ત્યારબાદ ચિંતામણિ દાદાની ધજા, અઢાર અભિષેક પૂજનના ચડાવા થશે. 12.39 કલાકે મહાપૂજન, રાત્રે સંયમ સુવર્ણ ગીત-સંગીત સાથે મ્યુઝિકલ હાઉઝીનું આયોજન.તા. 23ના દ્વિતીય દિવસે વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિ કરતી અહીંની પાંગળાપોળના સંકુલમાં  નિર્માણ પામેલા 2 પશુ આવાસનું ઉદ્ઘાટન અને તક્તી અનાવરણ થશે, જીન શાસન શિરોમણિ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. ગુણોદય સાગરસૂરિશ્વરજી મ.સા.ની સુવર્ણ વર્ષીતપની અનુમોદના થશે.અખિલ ભારત અચલગચ્છ શ્વેતામ્બર જૈન સંઘ તરફથી તેમજ પ.પૂ. આ.ભ. કલાપ્રભ સાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબના સુવર્ણ વર્ષની અનુમોદના વિવિધ સંઘો, મહાજનો, ગુરુભકતો તરફથી થશે.કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, અતિથિ વિશેષ તરીકે સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા, માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ મંત્રી તારાચંદભાઇ છેડા, સમાજ શિરોમણિ રવીભાઇ સંગોઇ, હરખચંદભાઇ ગંગર, અ.શ્વે. જૈન સંઘના અખિલ ભારત પ્રમુખ રતનલાલ દેવચંદજી વદેરા, યતીશ્રી મોતીસાગરજી મહારાજ,  સરપંચ મેઘરાજ ગઢવી તેમજ અન્ય સામાજિક, ધાર્મિક, અગ્રણીઓ, સાધુ, સાધ્વીજીઓ વિ. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બપોરના 2 વાગ્યે અઢાર અભિષેક, મહાપૂજન તેમજ રાત્રે કચ્છી નાટક રજૂ થશે.તા. 24 તૃતીય દિવસે સવારના 8.33 વાગ્યે ચિંતામણિ દાદાની ધ્વજારોહણ વિધિ થશે. ત્યારબાદ પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ પૂ. આચાર્ય ભગવંત વાજતે-ગાજતે ચિંતામણિ નગરીમાં પ્રવેશશે. સંયમ સુવર્ણ શિખર મહોત્સવ, ગુરુવંદના વિ. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ રવીભાઇ સંઘોઇ (સમાજ શિરોમણિ), અતિથિ વિશેષપદે ક.વી.ઓ. જૈન મહાજન ભુજના પ્રમુખ તારાચંદભાઇ છેડા,  પાંગળાપોળના પ્રમુખ નેણશીભાઇ લખમશી શાહ, મણિલાલભાઇ ગંગર, ઠાકરશી મેઘજી શેઠિયા, રામજી રવજી મોતા, ભરત માવજી દેઢિયા વિ. ઉપસ્થિત રહેશે. સંયમ સુવર્ણ  ઉત્થાપન પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીને કામળી વહોરાવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer