ધિરાણના કેસમાં વાહનના માલિકની તરફેણમાં ચુકાદો

ભુજ, તા. 21 : ધિરાણ ઉપર ખરીદવામાં આવેલી કારના કિસ્સામાં લોનની બાકી રકમ પોલીસી મુજબ વીમા કંપની ભરે તેવો ચુકાદો કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા અપાયો હતો. તો બીજીબાજુ ભુજમાં ભૂકંપગ્રસ્ત ભાડૂત અને મિલ્કતના માલિક વચ્ચેના કેસમાં ભાડૂતને નવું બાંધકામ કરી આપવાનો આદેશ કરાયો હતો. ભુજના નવીનચન્દ્ર ભોલેનાથ રાજગોરે અંગત ઉપયોગ માટે સ્ટેટ બેન્ક પાસેથી લોન લઇને કાર ખરીદી હતી. ધિરાણ આપતી સમયે બેન્ક દ્વારા એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ પાસે વીમો લેવાયો હતો. જેના નિયમો મુજબ લોન ચાલુ હોય તે દરમ્યાન નવીનભાઇનું અવસાન થાય તો લોનની બાકીની રકમ વીમા કંપની ભરે. લોનના કાર્યકાળ દરમ્યાન નવીનભાઇનું અવસાન થતાં તેમના પુત્ર હિમાંશુભાઇએ વીમા કંપની સમક્ષ દાવો કર્યો હતો. જેમાં દાદ ન મળતાં કેસને ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમે ચાર લાખનું વળતર નવ ટકા વ્યાજ અને ત્રાસ તથા ખર્ચની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાઘ્યાય, કુન્દન એસ. ધનાણી, સંકેત સી. જોશી, સાજીદ આઇ. તુરિયા, હેતલ કે. વાઘેલા અને મેહુલ કે. ગોસ્વામી રહ્યા હતા.બીજીબાજુ ભુજમાં ભૂકંપમાં ઘ્વસ્ત થયેલી ભીડ ફળિયા પાસે ભીડબજાર તરફ જતા માર્ગે આવેલી મિલ્કત વિશેના કેસમાં માલિક નવું બાંધકામ કરી આપે તેવો હુકમ ભાડૂત જગદીશચંદ્ર નારાણજી કોઠારી તરફે કરાયો હતો. ભુજ અધિક સિવિલ જજની કોર્ટ દ્વારા આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં ભાડૂતના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જે. ભગત અને અકુલ એ. અમૃતિયા રહ્યા હતા. - ચેકના કેસમાં નિર્દોષ ઠર્યા  : દેના ગ્રામીણ બેન્ક મોથાળા (અબડાસા) શાખા દ્વારા લોનની રકમનો ચેક પરત ફરતાં કરાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં અબડાસાના વરાડિયા ગામના શિવજી કેશા મનુનો નિર્દોષ છૂટકારો થયો હતો. નલિયાની અદાલતે નેગોશિયેબલ ધારા તળે આ ગુનો બનતો ન હોવાનું તારણ આપી આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે લાલજીભાઇ કટુઆ રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer