ગુજરાતના હરમિતે જીત્યો પ્રથમ મેજર ઓપન ઇન્ટરનેશનલ ખિતાબ

ગુજરાતના હરમિતે જીત્યો પ્રથમ  મેજર ઓપન ઇન્ટરનેશનલ ખિતાબ
નવી દિલ્હી, તા. 18 : સુરતના હરમિત દેસાઇએ પોતાના જ દેશના એન્થની અમલરાજને ફાઇનલમાં હરાવીને બતામ ખાતે યોજાયેલી આઇટીટીએફ ચેલેન્જ ઇન્ડોનેશિયા ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. હરમિત માટે આ પ્રથમ ઇન્ટરનેશનલ મેન્સ સિંગલ્સ ટાઇટલ હતું. ત્રીજા ક્રમના ભારતીય ખેલાડીએ છઠ્ઠા ક્રમના અમલરાજને 11-9, 9-11, 11-9, 10-12, 11-8થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. અમલરાજ 1-3થી પાછળ હતો પરંતુ તેણે જોરદાર લડત આપીને મેચ રોમાંચક બનાવી હતી. પાંચમી ગેમમાં હરમિતે શાનદાર રમત દાખવી હતી પરંતુ અમલરાજે પણ એટલો જ સુંદર પ્રતિકાર કર્યો હતો. 10-10ના સ્કોરે હરમિતને એડવાન્ટેજ હતો પરંતુ તે હારી ગયો હતો અને અમલરાજે આ તકનો લાભ લઇને અંતર ઘટાડવામાં સફળતા મેળવી હતી. જો કે, સુરતના ખેલાડીએ છઠ્ઠી ગેમમાં વળતો પ્રહાર કર્યો હતો. આ મેચમાં પાંચ લાંબી રેલી ચાલી હતી પરંતુ અમલરાજે કેટલાક પોઇન્ટ આપી દેતાં હરમિતને લાભ થયો હતો. સેમિફાઇનલમાં હરમિતે પાંચમા ક્રમના હોંગકોંગના લામ સિયુ હેંગને 11-5, 16-18, 4-11, 11-9, 11-5, 11-8થી હરાવ્યો હતો. હોંગકોંગના ખેલાડી સામે હરમિતે સારો પ્રારંભ કર્યો હતો પરંતુ તે 1-2થી પાછળ હતો પરંતુ ત્યારબાદ તેણે મજબૂત રમત દાખવીને હરીફને સ્કોર સરભર કરવા ઉપરાંત મેચ પણ જીતી લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer