ભાજપમાં જૂથબંધીની આગના ધુમાડા ભુજ સુધરાઇ સુધી પહોંચ્યા

ભાજપમાં જૂથબંધીની આગના ધુમાડા ભુજ સુધરાઇ સુધી પહોંચ્યા
ભુજ, તા. 18 : કચ્છ ભાજપમાં જૂથબંધીને પગલે લાગેલી આગના ધુમાડા આજે ભુજ સુધરાઇની માંડ-માંડ મળેલી સામાન્ય સભા સુધી પહોંચ્યા હતા. આ આગ હવે નાગરિકોને પણ દઝાડશે તેવી ભીતિ જાગૃતો વ્યકત કરી રહ્યા છે. સત્તાપક્ષે કોઇ જ નગરસેવક ઉપસ્થિત ન રહેતાં એક તબક્કે તો સભામોકૂફ રહેશે તેવું ચિત્ર ઉપસ્યું હતું, પરંતુ પક્ષની સાખ જાળવવા અંતે લેખેલા કાઉન્સિલરો આવતાં સભાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. આજે ભુજ સુધરાઇ ખાતે મળેલી સામાન્ય સભામાં 2019-20ના 3,60,000ની તસલમાત સહિત રૂા. 42,68,40,947ના ત્રિમાસિક હિસાબો કારોબારી ચેરમેન ભરત રાણાએ રજૂ કરી વિવિધ ઠરાવોનું વાંચન કર્યું હતું.  પ્રમુખ લતાબેન સોલંકીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. સભા પ્રારંભે સુધરાઇના અવસાન પામેલા સદસ્ય તથા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પાઇ હતી. પ્રમુખસ્થાનેથી લતાબેને ઠરાવો રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે સ્ટ્રીટ વેન્ડર્સ બાયલોઝને મંજૂરી, હમીરસરને નર્મદા નીરથી ભરવા, ભૂગર્ભ ગટર યોજના, સુધરાઇની માલિકીની મિલકતો, દુકાનોનાં ભાડાં અને ડોનેશન રિવાઇઝડ ઠરાવ, જનભાગીદારીના કામો, જિલ્લા અગ્નિશમન કેન્દ્રનાં નવા માળખાં અંગે દરખાસ્ત, હમીરસર ફલડ કંટ્રોલ સિસ્ટમ, બસ સ્ટેશન માર્ગે દુકાનોના ત્રણથી ચાર ફૂટના શેડને મંજૂરી સહિતના ઠરાવો રજૂ કરાયા હતા. જો કે, રજૂ થયેલા અમુક ઠરાવો કારોબારીમાં મંજૂરી વિનાના હોવાથી તે પાછળથી રદ કરાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુધરાઇ પહેલાં ભાજપ કાર્યાલયે મળેલી બેઠક ચર્ચાસ્પદ રહી હતી.  ભુજ સુધરાઇના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર આવી સામાન્ય સભા મળી હતી અને રીતસરની સંતાકૂકડી રમાતી હોય તેવો તાલ સર્જાયો હતો. સવારે 11.30નો સમય હોવા છતાં પોણો કલાક સુધી ભાજપ પક્ષે માત્ર એક જ નગરસેવિકા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ચારથી પાંચ નગરસેવક સમયસર હાજર રહ્યા હતા અને અંતે કંટાળીને ચાલ્યા ગયા હતા. જો કે, ત્યારબાદ સુધરાઇ અધ્યક્ષા લતાબેન આવતાં સભા યોજાશે તેવી આશા જાગી હતી પરંતુ થોડો સમય તો એ આશા પણ ડામાડોળ જ રહી હતી. કેમ કે, લતાબેન પણ થોડીવાર બેસી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મુખ્ય અધિકારી નીતિન બોડાત આવ્યા હતા. તે પણ થોડો સમય બેસી ચાલતી પકડી હતી. ત્યારબાદ બન્ને ફરી સભામાં ઉપસ્થિત થયા હતા. ધીરે-ધીરે સત્તાપક્ષના નગરસેવકો આવતાં સભા શરૂ કરાઇ હતી. તાજેતરમાં જ ભુજ શહેર તથા તાલુકા પ્રમુખ તેમજ અન્ય હોદ્દાને પગલે ભાજપના અલગ-અલગ ગ્રુપના મોવડીઓમાં શીતયુદ્ધ જામ્યું હતું અને છેક ઉચ્ચકક્ષાએથી નામોની જાહેરાત મોકૂફ રાખવા સૂચના આપવી પડી હતી. હજુ એ બાબતની કળ વળી નથી ત્યાં આજની સુધરાઇની સામાન્ય સભામાં પક્ષની અંદરનો ડખો જાહેરમાં કળાતો હતો. વિપક્ષની ગેરહાજરી જેવા વાતાવરણમાં સત્તાપક્ષમાં લાગેલી આગ ભુજવાસીઓ અને વિકાસના કામોને દઝાડી રહી છે અને શહેરની બદતર હાલત બની રહી હોવાનું જાગૃતો વસવસો વ્યકત કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer