સીમા સુરક્ષાદળ સીમારક્ષાની સાથોસાથ જન કલ્યાણના કાર્યોમાંય આગળ

સીમા સુરક્ષાદળ સીમારક્ષાની સાથોસાથ  જન કલ્યાણના કાર્યોમાંય આગળ
ભુજ, તા. 18 : અહીંના સીમા સુરક્ષાદળ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટેના કાર્યક્રમોનું આયોજન થયું હતું. સરહદને અડીને આવેલા મોહાડી ઉપરાંત ગુનાઉ, જખૌ, અકરી, કરમટા તથા કોસા ગામમાં સફાઈને લગતી વસ્તુઓ તથા 12 શાળાને લેખન તથા સફાઈ માટેની સામગ્રીઓ અપાઈ હતી. મોહાડી મધ્યે દળની 172 બટાલિયન દ્વારા ગામના નાગરિકોની શારીરિક તપાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં બીએસએફના તબીબોએ લોકોને તપાસી મફતમાં દવા આપી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ ક્ષેત્રિય બીએસએફના મહાનિરીક્ષક સમંદરસિંહ દબાસે કરીને જણાવ્યું હતું કે, સીમા સુરક્ષાદળ સીમાની રક્ષા ઉપરાંત જનકલ્યાણનાય વિવિધ કાર્યક્રમોમાં પણ હંમેશ આગળ હોય છે. આ ઉપરાંત દળ સ્વાસ્થ્ય, શિક્ષા તથા રોજગારના ક્ષેત્રોમાં પણ જોડાય છે. જેથી દેશ ઉન્નતિ કરી શકે. આ પ્રસંગે તેમણે ગ્રામીણ યુવાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, તેઓ સ્કીલ્ડ ડેવલપ પ્રોગ્રામમાં ઉત્સાહપૂર્વક ભાગ જરૂર લે જેથી તેઓ કલા શીખે અને જીવનને ઉજ્જવળ બનાવી દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે. આ પ્રસંગે 172 બટાલિયન કમાન્ડન્ટ સંજય શર્મા, ડો. જે. કે. પંચેટિયા તથા બટાલિયનના કંપની કમાન્ડર તેમજ ગામના સરપંચ તથા સભ્યો તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો તથા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગ્રામીણ મહિલાઓ પગભર બને તેવા હેતુથી અધિકારીઓના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer