સ્ટાર્ટઅપ ભંડોળના ઉપયોગમાં યુનિ.ઓ ઊણી ઉતરી

ભુજ, તા. 18 : વિદ્યાર્થીઓ વ્યાપારિક-ઔદ્યોગિક સાહસ કરી આગળ વધે અને નવીનત્તમ શોધ કરે તેની પ્રેરણા અને સહયોગ માટે એસએસઆઈપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી) યોજના બનાવવામાં આવી છે, પરંતુ ગુજરાતની 70 યુનિવર્સિટીઓમાંથી માત્ર 32 યુનિવર્સિટીઓ જ પોતાને મળેલી નાણાં સહાયનો ઓછો-વધુ લાભ મેળવી શકી છે. રાજ્ય સરકારે આપેલા રૂા. 7.33 કરોડ રૂપિયામાંથી માત્ર રૂા. 2.67 કરોડ વાપરી શકાયા છે. આમાં ભાવનગરની કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી અને કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીનું નબળું પ્રદર્શન બહાર આવ્યું છે. તાજેતરમાં મળેલી રાજ્યના કુલપતિઓની બેઠકમાં આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો અને રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીઓનો એવો ઉધડો લીધો હતો કે જો તેઓ આ યોજનાનો લાભ નહીં લે તો ગ્રાન્ટની રકમ પરત ખેંચી લેવામાં આવશે. યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપને ઉત્તેજન મળે તે માટે સરકારે યોજના બનાવી છે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ તેનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી હોવાનો કેસીજી (નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત)એ જારી કરેલા આંકડામાં ઘટસ્ફોટ થયો છે. કેસીજીના આંકડામાં એવું બહાર આવ્યું છે કે માત્ર 32 યુનિવર્સિટી જ આ ગ્રાન્ટના ઉપયોગમાં આગળ આવી છે. જેમાં 7.33 કરોડમાંથી માત્ર 2.67 કરોડ એટલે કે માત્ર 36.44 ટકા જ ઉપયોગ કરી શકાઈ છે. તાજેતરમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં કુલપતિઓની મળેલી બેઠકમાં આ મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. નોંધપાત્ર આંકડા મુજબ, ભાવનગર યુનિ.ને એસએસઆઈપી હેઠળ પાંચ લાખ રૂા. ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તે એક પણ રૂપિયો વાપરી શકી નહોતી. કોઈ વિદ્યાર્થી આઈપીઆર (ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ) કે પીઓસીએસ (પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ઓફ ઈનોવેશન) ફાઈલ કરી શક્યા નહોતા. એવી રીતે કચ્છ યુનિવર્સિટીને રૂા. 20 લાખ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ એસએસઆઈપીમાં માત્ર 45, 728 રૂા.નું ભંડોળ વાપરી શકી હતી અને સંસ્થા ફંડમાં માત્ર 4,709 રૂા. વાપરી શકી હતી. માધ્યમોને મળેલી વિગતો મુજબ આ બેઠકમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, મુખ્ય સચિવ (ઉચ્ચ શિક્ષણ) અંજુ શર્મા, ઉચ્ચ શિક્ષણ કમિશનર પી. ભારતી અને ખાનગી તથા સરકારી યુનિવર્સિટીઓના કુલપતિ હાજર રહ્યા હતા. શર્માએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કેટલીક યુનિવર્સિટીઓએ ગ્રાન્ટ મેળવી છે, પણ કામ દેખાતું નથી. આવા કેસોમાં અમે ગ્રાન્ટ પાછી ખેંચી લેશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer