ધાણેટી પાસે ધસમસતા અજ્ઞાત વાહનની હડફેટે બે આધેડનાં મોત : એક ઘાયલ

ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના કનૈયાબેથી ધાણેટી ગામ વચ્ચે પુનિયા કંપની સામે ધોરીમાર્ગની બાજુએ ઊભેલા મોખાણાના મંગા સુજા દેવા રબારી (ઉ.વ.55) તથા લખા સુજા આસા રબારી (ઉ.વ.58)ને કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ બન્ને આધેડનાં મોત થયાં હતાં. મોખાણા ગામમાં રહેનારા આ બન્ને આધેડ આજે સવારે ઘરેથી નીકળ્યા હતા. બાઈક નંબર જીજે-12-ડીક્યુ-7894 ઉપર સવાર થઈ આ બન્ને ધાણેટીના પરબત ગોવા રબારીના ઘરે બેસણાંમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન કનૈયાબેથી ધાણેટી વચ્ચે પુનિયા કંપની સામે ધોરીમાર્ગ ઉપર તેમને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ બન્ને આધેડ બેસણામાં જઈ રહ્યા હતા, ત્યારે પુનિયા કંપની પાસે રવા પચાણ રબારી (ઉ.વ.28) મળતાં આ બન્ને ઊભા રહ્યા હતા. આ ત્રણેય રોડની બાજુએ વાતો કરી રહ્યા હતા. દરમ્યાન પૂરપાટ આવનારાં કોઈ અજાણ્યા વાહને આ ત્રણેયને હડફેટમાં લીધા હતા, જેમાં મંગા રબારી અને લખા રબારીને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ બન્ને આધેડને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રવા રબારીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રખાયો હતો. હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે મંગલ સુરા રબારીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer