જાગીરનાં મંદિરો જે તે ટ્રસ્ટને સોંપવા અને ભુજમાં ઢોરવાડા સ્વરૂપે થતાં દબાણો હટાવો

ભુજ, તા. 18 : ભુજ ખાતે ગત શનિવારે જિલ્લા કલેકટર એમ. નાગરાજનના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કચ્છમાં જાગીર હસ્તકના મંદિરો જે તે ટ્રસ્ટને સોંપવા અને ભુજ શહેરી વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ ઢોરવાડા સ્વરૂપે કરાતાં દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 16મી નવેમ્બરે શનિવારે યોજાયેલી આ બેંઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય તરફથી જાગીર હસ્તકના મંદિરો જે તે ટ્રસ્ટને સોંપવા જોઇએ જેથી ટ્રસ્ટો સારી રીતે તેની નિભાવણી કરી શકે. આ ઉપરાંત ડો. નીમાબેન આચાર્ય તરફથી ભુજ શહેરમાં વિવિધ જગ્યાએ થતાં દબાણો અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભુજની છઠ્ઠીબારી પાસે જૈન સમાજના સ્મશાનની સામે, લક્ષ્મીમંદિર દરબારગઢ પાસે તેમજ ભીડગેટ પાસે ઢોરવાડાના સ્વરૂપે કરાતાં દબાણો સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે હટાવવા રજૂઆત કરાઇ હતી. આ સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer