માધાપરના ઓધવઈશ્વર નગરમાં ઊભા કરાતા મોબાઈલ ટાવરને અટકાવો

માધાપર નવાવાસ (તા.ભુજ), તા.18 : ભુજના એમઈએસ માર્ગે આવેલા ઓધવ ઈશ્વર નગર સોસાયટીમાં એક મોબાઈલ ટાવર છે, તેવામાં બીજો મોબાઈલ ટાવર રહેણાંકની વચ્ચોવચ્ચ ઊભો થઈ રહ્યો છે, જે રહેવાસીઓની સહમતી વિના થાય છે. કાયદા તથા આરોગ્યની દૃષ્ટિએ કાર્ય બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને રહેવાસીઓએ ફરિયાદ કરી હતી. સોસાયટીના જણાવ્યા મુજબ આ જગ્યામાં સોસાયટીનો કોઈ પ્લોટ નક્શામાં નથી. અંદાજિત આ જગ્યા દબાણવાળી હોઈ શકે તેવું જણાઈ રહ્યું છે. ટાવર જે મોબાઈલ કંપની બનાવી રહી છે, આ ટાવર માટે ના-વાંધા પ્રમાણપત્ર કોના તરફથી મળ્યું તે પણ એક પ્રશ્ન છે. બીજું કે આ ટાવરથી અંદાજિત 150 મીટર પર મિલિટરીની દીવાલ આવેલી છે. જે સરહદી વિસ્તાર માટે પણ યોગ્ય નથી. રહેવાસીઓ દ્વારા વહીવટીતંત્ર પાસે ન્યાય માટે અરજ કરવામાં આવી છે. છતાં ટાવરનું કામ ચાલુ છે. સોસાયટીના રહેવાસીઓને ન છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પ્રમુખ અનિલકાંત બક્ષી, મંત્રી કમલેશ જોશી, ઉપપ્રમુખ દેવીસિંહ સોલંકી, મહામંત્રી પ્રાણલાલ ગજ્જર વગેરેએ જણાવ્યું હતું. અન્ય એક યાદીમાં વર્ષોથી રહેતા રક્ષાબેન અરવિંદ જોષી અને અન્ય રહેવાસીઓએ જિલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોબાઈલ કંપનીનો એક ટાવર ઊભો થઈ રહ્યો છે. સોસાયટીના નકશામાં આ પ્લોટની માન્યતા કોઈની નથી. અરજદારે તેમજ સોસાયટીના તમામ સભ્યોએ મોબાઈલ ટાવર સામે સખત વાંધો ઉઠાવી રેડિયેશનના કારણોસર જાનનો ખતરો રહેલો છે અને ટેલિકોમ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ રહેણાંક વિસ્તારના 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ મોબાઈલ ટાવર ઊભા કરી શકાય નહીં, જેથી આરોગ્ય અને કાયદાની દૃષ્ટિએ કાર્ય બંધ કરાવવા માંગ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer