આદિપુરની 80 બજારની વિકાસ યોજના ડીપીટીની મંજૂરીને લઈને ઠેબે ચડી ગઈ

ગાંધીધામ, તા. 18 : આદિપુરની 80 બજારના રોડને ચારમાર્ગીય કરી પાકી કેબિનો બનાવવાનો એસ.આર.સી.નો પ્રાજેકટ દીન દયાલ પોર્ટ દ્વારા મંજૂરી ન અપાતાં વિલંબમાં મુકાયો હોઈ આ મામલે શ્રમજીવી ઉત્કર્ષ એસોસીએશન દ્વારા વધુ એકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. મંડળના પ્રમુખ કાનજી મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે કેબિનધારકોને પાકી દુકાન બનાવી આપવનો મામલો છેલ્લા દોઢ દાયકાથી ડીપીટીની મંજૂરીના અભાવે ખોરંભે ચડયો છે. વર્ષ 2005માં ડીપીટીના તત્કાલીન ચેરમેન એ.કે. જોતીએ આ જગ્યાનો સર્વે કરાવી જમીન હેતુફેર કરી એસ.આર.સી.ને આપી હતી. ઝૂલેલાલ માર્કેટ અને એસ.ટી. બસ સ્ટેશન પાસે પાકી દુકાનો હજુ સુધી બનાવવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા એસ.આર.સી.ને વર્ષ 2013માં એન.ઓ.સી. આપવામાં આવી હતી. પરંતુ વર્ષ 2016થી ડીપીટી દ્વારા કોઈ પણ જમીન ટ્રાન્સફર કે એલોટમેન્ટ કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું એસ.આર.સી. દ્વારા જણાવાયું છે. વર્ષ 2005થી 2015 દરમ્યાન એસ.આર.સી. દ્વારા બે વખત જીડીએમાં નકશા પાસ કરાવ્યા હતા. પરંતુ યેનકેન પ્રકારે કામ ચાલુ થયું ન હતું. નાના વેપારીઓના હિતમાં આ દિશામાં પોર્ટ પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરાય તે સમયની માંગ છે. શિપિંગ મંત્રાલય દ્વારા ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવે તો આ અટવાયેલો પ્રશ્ન ઉકેલાઈ જાય તેમ હોઈ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સાંસદ ધારાસભ્યને અનુરોધ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા ડીપીટી ચેરમેન, જિલ્લા કલેકટર વિગેરેને પત્ર પાઠવી પુન: રજૂઆત કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer