મથડા સીમમાંથી થયેલી 2.65 લાખની વાયર ચોરીમાં ત્રણ જણની ધરપકડ

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના મથડા ગામની સીમમાં પવનચક્કીના રૂા. 2,65,920 સાધનોની ચોરીના પ્રકરણમાં ત્રણ ઇસમોની એલ.સી.બી.એ ધરપકડ કરી હતી. તો બીજી બાજુ ગાંધીધામમાં ચીલ ઝડપનાં બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. મથડાની સીમમાં ક્રિટેક કંપનીની પવનચક્કી 1190 કિલો વાયર, સસ્પેન્શન, એન્સ્યુલેટર વગેરે મળીને કુલ 2,65,920ની મતાની ચોરી થઇ હતી. આ અંગે ગઇકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમ્યાન, એલ.સી.બી.એ ગાંધીધામનાં કાસમ જુસબ કુંભાર, મોટી ખેડોઇના હુશેન અલીમામદ કુંભાર અને અંજારનાં આરીફ સાલેમામદ કુંભારની ધરપકડ કરી હતી. આ ઇસમો પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ રિકવર કરવામાં આવ્યો હતો. તેમજ ચોરીના બનાવને અંજામ આપવા માટે વપરાયેલી બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આ બનાવમાં મથડાનાં અસગર આગરિયા અને જેસરખાન ફતેખાન સમાને પકડી પાડવા વધુ કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ગાંધીધામનાં ઓસ્લો પાસે થયેલી ચીલ ઝડપના બનાવમાં ભારતનગરનાં કુંદનસિંઘ કુરશોસિંઘ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે સંકુલના તમામ સીસીટીવી કેમરા તપાસી આધુનિક ઢબથી આ શખ્સને પકડી પાડયો હતો. તેના વિરુદ્ધ અગાઉ મુંદરામાં હત્યા, ચોરી તથા ગાંધીધામ એ-ડિવિઝનમાં ચોરી, ચીલ ઝડપ વગેરેના ગાના નોંધાયેલા છે. અન્ય ચોરી, ચીલ ઝડપ ઉકેલવાની આશા સાથે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer