અખંડ સન્નાટાના કોલાહલમાં ધબકે છે આખું ખડીર

અખંડ સન્નાટાના કોલાહલમાં ધબકે છે આખું ખડીર
નવીન જોશી દ્વારા-
ભુજ, તા. 17 : ઉપર અનંત આકાશ, આંખની સામે અફાટ રણ, રણ અને આકાશને જોડતી વિશાળ ક્ષિતિજ અને સન્નાટો, ખાલીપો, શાંતિ અને એકાંત એટલે ખડીર. ધોળાવીરા ગાજતું થયું છે પ્રવાસીઓથી પણ ત્રગડીબેટ, ભાંજડોબેટ, ચંજોરી ડુંગર, અમરાપરની મૂંછી અને નાના-નાના પ્રકૃતિની ગોદમાં ઉછરતા ગામડાઓ દૂર દૂર સુધી ક્યાંયે કોઇ ઉદ્યોગ નહીં, કોઇ કોલાહલ નહીં, ધૂળ ઊડાવતા માર્ગો પરથી એકાદ-બે કલાકના અંતરે પસાર થતી ખાનગી ખખડધજ લકઝરી બસોની ઘરઘરાટી વખતે રસ્તા ખરાબ કે ગાડી ખરાબ એની તુલના કરવી પડે પણ એ ગાડી પસાર થઇને બાજુના ગામે પહોંચે ત્યાં સુધી તેનો અવાજ આવતો જ રહે તેવા શૂન્યાવકાશમાં 118 ચો.કિ.મી. ક્ષેત્રફળમાં પથરાયેલા આખે આખા ખડીર ટાપુની એક આગવી ઓળખ આજે આપવી છે. રાત્રે લાઇટ ન હોય ત્યારે આકાશ આખેઆખું, તારામંડળો, નક્ષત્રો, જાણે નભમંડળમાંથી ઊતરીને અવનીને અડવા આતુર હોય એટલા નીચા ભાસે તેવા મુલકની પ્રકૃતિદેવીની એક શાબ્દિક સ્તુતિ કર્યા વગર ખડીરયાત્રા અધૂરી ગણાય. અખબારી કામસર 90-91ના દાયકામાં મુંબઇથી આવેલા પ્રસિદ્ધ લેખક, કાર્ટૂનિસ્ટ અને સમાજસેવક આબિદ     સુરતીને ફેરવવા અને હડપ્પન યુગની સભ્ય સંસ્કૃતિના દર્શન આલેખન માટે આ લખનારને પ્રથમવાર ધોળાવીરા આવવાનું થયું અને વાગડની ધરતી જાણે ખુદ સાદ પાડીને બોલાવતી હોય એવી માયા બંધાઇ ગઇ. અહીં ધરતી માતાનું અને પ્રકૃતિદેવીનું રૂપ તદ્દન કાચુંકુંવારું છે. છપ્પરિયા રખાલમાં ઠેઠ અંદર ઊંડે સુધી ઊતરીને નાથ સંપ્રદાયના જોગીઓની સાધનાશક્તિના કેન્દ્ર એવા આદિભડંગ સુધી ભૂતકાળમાં ફરવાની તક મળી તો રતનપરમાં સાંગવાળી માનો મેળોય માણ્યો. ગઢડાની જાહોજલાલી આજેય સાંખ પૂરતી એના ગઢમાં અને સચ્ચિયાર માતાજીના મંદિરના શિખરે-ગર્ભગૃહે ઊભી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ખડીર એક પ્રવાસમાં માયા લગાવે અને વારંવારના પ્રવાસોથી એ જીવનથી મૃત્યુ સુધીની અનેક શિક્ષા-દીક્ષા આપે. પર્યાવરણની દૃષ્ટિએ, તંદુરસ્તીની દૃષ્ટિએ, પવિત્રતાની દૃષ્ટિએ ખડીર ખૂબ જ સ્વચ્છ છે. રણમાં કોઇ જઇ ન શકે અને આકાશને કોઇ આંબી ન શકે. બસ, આ રણ અને આકાશ વચ્ચે કોકડું વાળીને બેઠું છે ખડીર કે જે ખુદ સાક્ષી છે. જુરાસિક યુગનું ડાયનાસોર જેવા વિશાળકાય પ્રાણીઓનું, હડપ્પન કાળની જીવનશૈલીનું અને ભાંગતી રાત્રે ગામડાંઓ ભાંગીને રણ વાટે પાછા વળતા ડફેર-ડાકુઓનું પણ એ સાક્ષી છે, મૌન છે અને મૌન રહેવાનું શીખવે છે આ ખડીર. ખડીર નામ આવ્યું છે `ખડ' ઘાસ પરથી જ્યાં ઘાસ અડાબીડ છે તેવું સ્થળ એટલે ખડીર. ધ્રામણ ઘાસ અહીં થાય છે. પશુઓને ખોડ ન ખવડાવો અને આ ઘાસ આપો તો પણ એની પૌષ્ટિકતાને લીધે પશુ તંદુરસ્ત રહે છે અને દૂધ વધુ આપે છે. ખડીરનું આ ઘાસ ભારે અળવિતરું છે અને બાળક જેવું પણ છે. હાલના દિવસોમાં અનેકાનેક ખૂણાઓ આ ઘાસથી છલોછલ છે. બાળક જેટલું એટલા માટે છે કે તમે નિરાંતે એક ટકટકી બાંધીને એની સામે જોયા કરો તો એ સહેજ પણ સ્થિર નહીં દેખાય. ગોઠણ કરતાં વધુ ઊંચાઇએ પહોંચી ગયેલું છપ્પરિયા રખાલનું ઘાસ તો માત્ર વાતો જ નથી કરતું, બાકી વૃક્ષ-વેલ-પત્તાઓ પર ચોંટી જઇને જે વ્હાલ દર્શાવે છે એ તો અનુભવે જ જાણી શકાય.બોર-બાજરી માટે પ્રસિદ્ધ ખડીરમાં લુસ્કા, ગાંગેટી, પીલુ, ચીભડા, કારિંગા, કોટીંબાનો પાર નથી. અહીંનો દર બીજો જણ તમને આમંત્રણ આપી કહેશે બાજરાના રોટલા-કોટીંબાનું શાક ખાવા આવો ઘેર... વીજ થાંભલાઓ અને મોટી શક્તિશાળી વીજલાઇનો સુધી વેલાઓ પહોંચી ગયા છે. ગાંડો બાવળ પહેલીવાર કોઇ ગુનાહિત કૃત્ય બાદ શરમાયેલા આરોપીની જેમ માથે હાથ દઇને બેસી ગયો છે. ખડીરમાં અને તેના પર જંગલી વેલાઓએ એવું તો સામ્રાજ્ય જમાવ્યું છે કે બાપડો ક્યાંયથી કળાતોય નથી. ત્રગડી બેટ સુધી તો રસ્તો છે પણ ભાંજડો બેટ, મેરૂડો બેટ, ભાંગડા બેટની પાછળ અફાટ રણમાં સિંધલ બેટ તેની પાછળ હંજબેટ (ફલેમિંગો સિટી), ખડીરમાં પ્રવેશતાં જ સપાટ સીધા માર્ગની દક્ષિણે `વોંગારો બેટ' આગવી અદામાં અને એકલા અટુલા કોઇ તપસ્વી યોગીની જેમ તપ-ધ્યાનમાં મગ્ન સદીઓથી બેઠા છે. આ બેટ અને ડુંગરાઓના તપ ભંગ કરવાનું સાહસ કોણ કરે છે જાણો છો ? હોલો, પોપટ, મોર-ઢેલ, ચકલીઓના ટોળાંના ટોળાં અને અનેક જાતિ-પ્રજાતિના પક્ષીઓનો કલરવ કહો કે કલબલાટ કહો, જો તમે ખુદ સહેજ શાંત રહીને સાંભળો તો જાણે ,પક્ષીઓની સંસદમાં ગરમાગરમ ચર્ચા ન થતી હોય ! પણ હા... દૂરસુદૂરથી આવતો હોલાનો એક અવાજ અને તેમાં ગળું ફુલાવીને જોડાતા કામાતુર કબૂતરનો અવાજ તો બસ જાણે સાંભળ્યા જ કરીએ. ભંજડા દાદાના મંદિરે તથા ચંદોરી ડુંગર પર એકતરફ બી.એસ.એફ.ના કેમ્પ પર ત્રિરંગો ફરકતો હતો અને બીજીતરફ આ પક્ષીઓએ કોઇ મુદ્દે તકરાર કરી હોય તેવો કલશોર કર્યો હતો. રણ જેવું રણ પણ સંભવત: આ જ સૂરાવલિઓ સાંભળીને મન પ્રફુલ્લિત કરતું હશે હો ! ખડીરમાં પ્રવેશવાના સીધા સટ માર્ગે બંને તરફ રણ વચ્ચેથી પસાર થતી વેળાએ જ ખ્યાલ આવી જાય કે કોઇ અલગ જ જગ્યાએ પ્રવેશી રહ્યા છો. વનતંત્રએ પણ આ માર્ગ પર બે `વ્યૂ પોઇન્ટ' ઊભા કર્યા છે પણ એ વ્યૂ પોઇન્ટનો અર્થ સરતો નથી. લોખંડના એંગલ પર છાપરા હોય અને નીચે બેઠક જેવું કંઇક હોય તો સામે જ ગાડી પાર્ક કરીને બે ઘડી બેસવાનો લ્હાવો મળે પણ વનતંત્ર કદાચ એ ભૂલી ગયું છે. મોડું નથી થયું, હજુ પણ તંત્ર ગ્રાન્ટ પડી હોય અને બિલમાં આ છાપરા-ખુરશી કાગળ પર લખાઇ ગયા હોય (ભૂલથી) તો ગોઠવી દ્યો...!આ માર્ગે બરોબર જમણે હાથે પૂર્વની ક્ષિતિજમાં અમરાપરની મૂંછીવાળા ડુંગરને અડીને રણનો જે ભાગ છે ત્યાંથી અતિશ્યોક્તિ વગર ઓછામાં ઓછા આઠથી દસ કિ.મી.ની ત્રિજ્યામાં તદ્દન ક્ષિતિજે ક્ષિતિજે હાલ રૂપકડાં એવા સુરખાબનો કલશોર છે. કલશોર ત્યાં હશે, રસ્તા પરથી સંભળાય નહીં પણ કેમેરાની `ઝૂમ' શક્તિના માધ્યમથી આંખો ત્યાં પહોંચે છે તો ફાટી જ રહે છે. હજારો, લાખો સુરખાબ  ત્યાં છે જ છે. નિતાંત શાંતિમાં રહેવા ટેવાયેલા આ કચ્છના `રા લાખેજા જાની' તરીકે પ્રસિદ્ધ પામેલા પક્ષીઓના નીજી જીવનમાં જો મનુષ્ય લાગલગાટ દખલ ન કરે તો તેમના કચ્છમાં આવવાના મનસુબાની ખબર પડે. થાય એવું છે કે જેવા આ પક્ષી આવે, કચ્છ સહિત દુનિયાભરના ફોટોગ્રાફરો જાણે `હું રહી ગયો' એવી લાગણી સાથે નાહકના-કારણ વગરના ફોટાઓ પાડી-પાડીને એ જીવની શાંતિ ભંગ કરી આવી પોતાના ઘેર શાંતિથી સૂઇ જાય છે અથવા સોશિયલ મીડિયામાં વટ પડાવે છે, પણ પાછળ ડિસ્ટર્બ થયેલા સુરખાબનું શું ? એની એમને પરવા જ નથી. ખરેખર તો જેમ બસ્ટાર્ડના પ્રજનન વખતે ફોટોગ્રાફી પ્રતિબંધિત હોય છે તેમ સુરખાબના સંવનના કાળે પણ ક્લિક પર તાળાં જોઇએ. વનતંત્રએ વિચારવું જોઇએ. આ આખે આખો ખડીર બેટ ઠેર ઠેર નાથ સંપ્રદાય સાથે નાતો ધરાવતો હોવાથી પણ કદાચ એનું મહત્ત્વ વધી જાય છે. ભાંજડા દાદા ખુદ દાદા ધોરમનાથ, આદિભડંગ એટલે કે લગભગ 300થી 500 ટન વજનની એક શીલા એક ડુંગરની ધાર પર છપ્પરિયા રખાલમાં એ પડી-આ પડી સ્થિતિમાં સદીઓ સુધી ટીંગાયેલી રહી. વાયકા એવી છે કે નાથ સાધુઓની જમાત હિંગલાજ યાત્રાએ જતી હતી અને આવા પથ્થર ડુંગરો પરથી ગબળ્યા તેથી સાધુઓને બચાવવા એમના મહંતએ `આદેશ' કર્યો... `બસ બેટા, પડતો નહીં' અને એ વજનદાર પથ્થર કહ્યાગરા સિપાઇની જેમ ટીંગાઇને ઊભો-ઊભો તે સદીઓ બાદ 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપમાં પડવાની તક ઝડપીને ગબડયો... ત્યાં સુધી અનેક અનામી સાધુ-સાધક-સંન્યાસીઓના ધૂણા એની તળે પ્રજ્વલ્લિત થયા, સાધનાઓ થઇ અને આખે આખા આભામંડળમાં એવી તો સ્થિર થઇ ગઇ કે એકચિત્તે ઊભા હો તો જ્યાં હાડકાં પણ ગળી જાય છે એવા શરાણમાં હૃદયના ધબકાર સાથે ચારેય દિશાઓમાંથી મંદ મંદ અવાજ સંભળાય આદેશ... આદેશ... હોય તો હોલો પણ એકધારો, તાલબદ્ધ અને નિતાંત શાંતિને ચીરતો, શિસ્તબદ્ધ અવાજ... અહા... હા... રૂંવાડાં ઊભા થઇ જાય હો...! આ છપ્પરિયા રખાલ એટલે કોઇ અગ્નિકૃત ખડક. પૃથ્વી પર પ્રલય બાદ લાવા વહ્યો હોય અને કાળક્રમે એ શાંત થાય એટલે નક્કર પથ્થર, આવા પથ્થરની ધરતી એટલે છીપરા અને એ છીપરાઓનો ખજાનો છે આ છપ્પરિયા રખાલ. એકદમ માપસર ચોસલા-ચોસલાવાળી જમીન અને બે ચોસલાના સાંધામાંથી ઊગેલું ધ્રામણ ઘાસ. ક્યાંક કેડ સુધી તો ક્યાંક છાતી સુધી. ખેડૂત ખેતીમાં પણ એકસરખા માપના ચાસ પાડીને ભાગ કરે તે કરતાં પણ વધુ સચોટ છે કુદરતના આ ચોસલા. દુકાળ વર્ષમાં છપ્પરિયા તળાવ ખૂબ ઉપયોગી બને છે. આઝાદી પહેલાંના વિક્રમી દુકાળોમાં લોકો માલ-ઢોર સાથે અહીં ઊતરી પડતા અને ધરતીમાં વિરડા ખોદતાં મીઠું પાણી મળતું. આવા વિરડાને પછી તેઓ તાળાં મારી દેતા. અર્થાત્ માલિકી ભાવ સાથે સાચવતા-સચવાયેલા આ વિરડા આજેય મોજૂદ છે. આ રક્ષિત એવી રખાલમાં વનતંત્ર રખાલમાંથી લાખો ટન ઘાસ એકત્ર કરી ગાંસડીઓ બાંધી અગાઉ લઇ ચૂક્યું છે. આ ઘાસની હરાજી થતી. આખેઆખી છપ્પરિયા રખાલ લગભગ 20થી 25 કિ.મી. લાંબી અને 8થી 10 કિ.મી. પહોળી છે. એકબાજુ મોટું રણ અને બીજીબાજુ ડુંગર વચ્ચે `નોમેન લેન્ડ' પણ આઝાદી પહેલાં આ હિંગલાજ યાત્રાના રૂપમાં વચ્ચોવચ્ચ હોવાથી આજે પણ એની અંદર કુટિયા-ધૂણા-બાજોઠ-આસન મળે છે. સરાણમાં દર કાર્તિકી પૂનમે અને ચૈત્રી પૂનમના અમુક બ્રાહ્મણો અવગતિયે ગયેલા મૃતાત્માઓની પૈતૃકવિધિ કરે છે. જે ડુંગરમાંથી બારે માસ સરાણમાં પાણી ઝરે છે ત્યાં અંદર ગાય માતાના આંચળ જેવા આકારના પથ્થર છે. જાણે દૂધના બદલે પાણી દોહવાય છે. અહીં શ્રાદ્ધ પણ કદી કદી થાય છે અને પિતૃતર્પણ તથા `ટાઢી' પણ ઠારવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer