રણોત્સવની રંગતને પણ માવઠાંનો માર

રણોત્સવની રંગતને પણ માવઠાંનો માર
ભુજ તા 17: ચાલુ સાલે કચ્છમાં લંબાયેલા ચોમાસાં અને કારતક માસમાં અષાઢી અંદાજમાં વરસેલા માવઠાએ આ સરહદી જિલ્લાને વિશ્વ સ્તરે નામના અપાવનાર રણોત્સવના રંગને ઝાંખો પાડી દીધો છે. નવા વર્ષથી શરૂ થયેલા આ પ્રવાસન ધામને માણવા માટે ગયા વર્ષની તુલનાએ પ0 ટકા ઓછા પ્રવાસીઓ આવ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. ધોરડોના સફેદ રણનું લાવણ્ય માણવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. 3 દિવસથી શરૂ થયેલું રણોત્સવનું આયોજન હવે 10પ દિવસ એટલે કે સાડા ત્રણ મહિનાના સમયગાળા સુધી લંબાઈ ગયું છે. આ વર્ષે કચ્છ  ઉપરાંત રાજ્યમાં વિક્રમી વરસાદ પડતાં સફેદ રણમાં ભરાયેલાં પાણી ડિસેમ્બર સુધી ઓસરવાની સંભાવના નહીંવત જ હતી તેવામાં દિવાળી પછી બે વાર વરસેલા માવઠાંએ રહી સહી કસરને પૂરી કરી નાખી છે. સફેદ રણનો અસલી નજારો માણવો હોય તો ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે તેવી આગોતરી જાહેરાત તંત્ર અને સંચાલક ખાનગી પેઢીએ કરી જ દીધી છે. જો કે, માવઠાં પછી રણનો બગડેલો માહોલ ફરી પાછો કયારે પાટે ચડશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને સામે આવી રહી છે. ત્યારે આ પ્રતિકુળતાની સીધી અસર સફેદ રણમાં આવતા પ્રવાસીઓના આંક પર પહોંચી છે. સામાન્ય રીતે રણોત્સવની શરૂઆત થાય તે પૂર્વે જ ટેન્ટ સિટી તેમજ આસપાસના રિસોર્ટમાં પ્રવાસીઓનું આગોતરું બુકિંગ શરૂ થઈ જતું હોય છે. આ વખતે તાલ ઊલટો સર્જાયો હોય તેમ દિવાળી બાદની સળંગ રજાઓમાં મુસાફરોનું આવાગમન રહ્યા બાદ  તે પછી તો મુસાફરો એકલ-દોકલ સંખ્યામાં આવી રહ્યા છે. ટેન્ટ સિટી અને રિસોર્ટમાં બુકિંગ માટે વેઈટિંગના બદલે કાગડા ઊડતા હોવાની જ સ્થિતિ દેખાઈ રહી છે.  ટેન્ટ સિટીમાં અત્યાર સુધી રોકાઈ ગયેલા પ્રવાસીઓની સંખ્યા ઘણી જ ઓછી હોવાનો સ્વીકાર લલ્લુજી એન્ડ સન્સના સંચાલકો કરી રહ્યા છે. તો અન્ય ખાનગી રિસોર્ટના સંચાલકો પણ જણાવી રહ્યા છે કે  અગાઉના વર્ષોમાં મુસાફરોનો આવો પાંખો માહોલ ભાગ્યે જ જોવા મળ્યો છે. નોંધીનય છે કે ગયા વર્ષે 2 કરોડ 83 લાખ, જ્યારે તેનાથી આગલી સાલે 1 કરોડ 71 લાખ પ્રવાસીઓ પરમિટ મેળવી સફેદ રણ જોવા આવ્યા હતા. આ પેટે તંત્રને 4.પ4 કરોડની આવક પણ થઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer