આહીરપટ્ટીમાં જ્યાં `કરા તોફાન'' થયું ત્યાં 150 વીજ થાંભલા ધરાશાયી હોવાથી ભારે મુશ્કેલી

આહીરપટ્ટીમાં જ્યાં `કરા તોફાન'' થયું ત્યાં 150 વીજ થાંભલા ધરાશાયી હોવાથી ભારે મુશ્કેલી
રાયધણપર, (તા. ભુજ), તા. 17 : તાલુકાની આહીર-પટ્ટીના જે ગામોમાં માવઠા સાથે બરફ અને પવને નુકસાન પહોચાડયું છે ત્યાં મોટા પ્રમાણમાં વીજ વિક્ષેપ પણ સર્જાયો છે. અંદાજે 150 જેટલા વીજ થાંભલા સંપૂર્ણ ધરાશાયી થતા મોટાભાગના વાડી વિસ્તારમાં વીજળી હજુ પણ વેરણ છે અને તેથી હવે પશુધન માટે પીવાના પાણીની તંગી સર્જાઇ રહી છે. રાયધરપરથી રસિક વિરમ બરાડિયા અને કિશોર મેગર આહીરે નુકસાનીની વિગતો આપતાં `કચ્છમિત્ર'ને જણાવ્યું કે ગામની પૂર્વ સીમમાં 17થી 18 અને દક્ષિણ વાડી વિસ્તારમાં પણ 15 જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થઇ પડયા છે જેથી વાડીઓમાં વીજળી હજુ પણ બંધ છે.  જે અંગે હજુ કામ ચાલુ થયું નથી. બીજી તરફ પૈયા ગામના સીમાડામાં પણ 10થી 15 વીજ થાંભલા ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. દરમ્યાન, આ પંથકમાં બરફ?વર્ષાના કહેર બાદ પશુધનમાં અસર વર્તાવાની શરૂ થઇ ગઇ છે અને સીમમાંથી પશુધન સંપૂર્ણ ભૂખ્યા પેટે પરત આવવા લાગ્યું છે. કેમકે સીમાડામાં જે પૌષ્ટિક ઘાસ લહેરાતું હતું તે બરફ વર્ષા અને વેગીલા પવનમાં સફાચટ થઇ ગયું છે. ધરતી લાલ ચટાક સપાટ થઇ ગઇ છે. આ કારણે દરરોજ સીમાડામાંથી પેટ ભરીને આવતી ગાયો માટે હવે ઉનાળામાં બચાવી રાખેલી ઘાસની ગાંસડીઓ ફરીથી ખવડાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. બીજી તરફ જ્યાં ખેતીમાં દિવસ રાતનું કામ ચાલુ હતું ત્યાં હવે ખેતી કામમાં ખેડૂતો નવરા ધૂપ થઇ ગયા છે  કેમકે ખેતીમાં કામ કરવા જેવું હંમણા કાંઇ બચ્યું જ નથી ! એરંડા, કપાસ વીણવાનું કામ ધમધોકાર ચાલુ હતું, જુવાર, બાજરીની કાપણી ચાલુ હતી અને ખેડૂતોને મિનિટની પણ નવરાશ નહોતી ત્યાં હવે પલકવારમાં કંઇ જ ન રહેતા ખેડૂતો નવરાધૂપ થઇ ગયા છે.

 
સરકાર આહીરપટ્ટીના ખેડૂતોની સાથે છે: રાજ્યમંત્રી  
રાયધણપર (તા. ભુજ), તા. 17 : તાલુકાની આહીરપટ્ટીના ગામોમાં જ્યાં પણ નુકસાન થયું છે, તેમાં સરકાર અસરગ્રસ્ત ખેડૂતોની સાથે છે તેવી ખાતરી રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે આપી છે. આ અંગે રાયધણપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ કાતરિયા અને માજી સરપંચ અરજણભાઇ કોઠીવાર રવિવારે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરને અંજાર ખાતે રૂબરૂ મળ્યા હતા. તેમની રજૂઆતને પગલે શ્રી આહીરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું અને જ્યાં જરૂર પડે ત્યાં તેઓ સાથે હોવાનું કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer