કંડલા એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ ઊભું થશે

કંડલા એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ ઊભું થશે
ઉદય અંતાણી દ્વારા-
ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલા કંડલા એરપોર્ટમાં લાંબા અરસા બાદ એક સાથે ત્રણ વિમાની સેવા આગામી 18 તારીખથી શરૂ થવા જઈ રહી છે.  ઔદ્યોગિક મથક માટે મહત્ત્વના આ વિમાની  મથકને ખરેખર એરપોર્ટ જેવું  ટર્મિનલ બનાવવા માટેના ચક્રો એરપોર્ટ ઓથોરિટી દ્વારા આદરાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. અને વર્ષ 2020ના મધ્યમાં કંડલાને કરોડોના ખર્ચે અત્યાધુનિક ટર્મિનલની ભેટ મળશે. આ  નવનિર્મિત ટર્મિનલની સાથો સાથ વિમાનના ઓપરેશન માટેની ક્ષમતામાં પણ વધારો થશે. 1950માં કંડલા એરપોર્ટનું ટર્મિનલ બન્યા બાદ વર્ષ 1960માં ઈન્ડિયન એરલાઈન્સની વિમાની સેવા પ્રથમ વખત શરૂ થઈ હતી. બાદમાં વિમાની સેવાઓ શરૂ થઈ અને બંધ થઈનો સીલસીલો જારી રહ્યો. પરંતુ હાલ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદની વિમાની સેવા છેલ્લા કેટલાક સમયથી સારી રીતે ચાલી રહી છે તેમા આગામી 18મીથી એર ઈન્ડિયાની કંડલા-અમદાવાદ-નાસિકની ફલાઈટનું ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે. 1950ના અરસામાં બનાવાયેલું ટર્મિનલ સિંગલ ટર્મિનલ હતું. પરંતુ હવે વિમાની સેવા વધતાં તેના વિસ્તૃતિકરણની જરૂરિયાત ઊભી થઈ છે અને તેને અનુલક્ષીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કંડલા વિમાની મથકમાં અત્યાધુનિક ટર્મિનલ માટેના નિર્માણના કાર્યને મંજૂરીની મહોર લગાડી દીધી છે. આ અંગે અંતરંગ વર્તુળો પાસેથી મળતી વિગતો મુજબ હાલનું ટર્મિનલ 150 સ્કવેર ફૂટનું છે જ્યારે તેની બાજુમાં જ  3500 સ્કવેરફૂટ એરિયામાં નવું ટર્મિનલ બનાવવામાં આવશે. આ ટર્મિનલ એરપોર્ટ ઓથોરિટીના પ્રવર્તમાન ધારાધોરણો પ્રમાણે બનશે. જેથી પ્રવાસીઓને વધુ સુવિધા આ નવા ટર્મિનલમાં ઉપલબ્ઘ કરાવાશે. અંદાજે 40 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે પ્રવાસીઓ માટે આ નવી સુવિધા વિકસાવવામાં આવશે. હાલ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર બહાર પડયા બાદ ત્રણ મહિનાના ગાળામાં બાંધકામ અને બાદમાં 6થી સાત મહિનાના સમયમાં નવું ટર્મિનલ નિર્માણાધીન કરવાની દિશામાં એરપોર્ટ ઓથોરિટી સક્રિય રીતે કાર્ય કરી રહી છે. હાલ નવા ટર્મિનલ માટેની ડિઝાઈન સહિતની કામગીરી મુંબઈ ખાતે ચાલી રહી હોવાનું આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું. નવું બિલ્ડિંગ તાજેતરમાં દેશમાં નવનિર્મિત એરપોર્ટ જેવી જ બનશે. આ સ્ટ્રકચર મોટાભાગનું પ્રિ ફ્રેબ બનશે. કંપનીમાંથી તૈયાર થઈને આવશે. ટર્મિનલ નિર્માણમાં વધુ પ્રમાણમાં સ્ટીલ અને ગ્લાસનો ઉપયોગ વધુ હશે. અમુક ભાગમાં જ સિમેન્ટ અને પથ્થરનો ઉપયોગ હશે. નવી ઈમારતમાં અરાઈવલ અને ડિપાર્ચર માટેની અલગ વ્યવસ્થા બન્ને સ્થળે શૌચાલય , સ્કેનર મશીન, કન્વેયર બેલ્ટ, અલગ રૂમ સહિતની સુવિધા વિકસાવવામાં આવશે. સાથો સાથ ઓપરેશન માટેના એરિયામાં વધારો કરવામાં આવશે. હાલના ટર્મિનલમાં  બે એરક્રાફટ આવી શકે તેટલો વિસ્તાર છે. જ્યારે નવા ડવલોપમેન્ટમાં વધુ  ચાર એરક્રાફટ ઊભા રાખી શકાય તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે. આમ વિમાન પાર્કિંગની વ્યવસ્થામાં પણ વધારો થશે અને એક જ સમયે એકથી વધુ ફલાઈટનું ઓપરેશન કંડલા ખાતેથી શકય બનશે. રેલવે પ્રશાસન દ્વારા  ગાંધીધામની અવેજીમાં  ગોપાલપુર રેલવે સ્ટેશનને વિકસાવવાનો પ્રકલ્પ હાથ ઉપર લેવાયો છે અને તેનાથી પ્રવાસી વર્ગને વધુ સારી સુવિધા ઉપલબ્ઘ થશે. ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટીએ પણ નવા ટર્મિનલ નિર્માણનો પ્રકલ્પ હાથ ઉપર લેવાયો છે. આમ આ વર્ષના અંતમાં રેલ અને વિમાનના પ્રવાસીઓ માટે અબજો રૂપિયાના ખર્ચે નવી સુવિધાઓના નિર્માણનો આરંભ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer