અસામાજિક પ્રવૃત્તિ, ગંદકીથી ખરડાતી ભુજની ટેક્ષી ગલી

અસામાજિક પ્રવૃત્તિ, ગંદકીથી ખરડાતી ભુજની ટેક્ષી ગલી
ભુજ, તા. 17 : શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટેક્ષી ગલીમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિ અને ગંદકીને પગલે સ્થાનિક વેપારીઓ ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને અહીંથી નજીક જ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ આવેલી છે ત્યારે તંત્ર શાળા આસપાસના વિસ્તારમાં ઉપરોકત દૂષણ ડામે તેવી માંગ ઊઠી છે. ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટેક્ષી ગલીમાં હવે ટેક્ષીને બદલે ખાલી અને સડી ગયેલી કેબિનો ગોઠવાયેલી પડી છે. સ્થાનિક વેપારીઓએ સુધરાઇમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કચરાના ગંજ ખડકાયેલા પડયા છે. આ ગલીમાં પોલીસની અવર જવર ન હોવાથી અંધારું થતાં જ અસામાજિક તત્ત્વો પ્રવૃત્ત થઇ જતા હોય છે. ક્યારેક તો સવારે પણ આવી પ્રવૃત્તિ બિન્દાસ્તપણે ચાલતી હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ખાલી કેબિનોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીંથી નજીક જ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ આવેલી છે. પરંતુ ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થિનીઓ કલાસરૂમની બારીઓ પણ નથી ખોલી શકતી.કન્યા છાત્રાલય પાસે આવારા, લુખ્ખા તત્ત્વોની સતત બેઠક રહેતી હોય છે. ઉપરાંત રજા સમયે આ સમસ્યા વકરતી હોય છે ત્યારે પોલીસ તંત્ર ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવું પણ જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે. ટેક્ષી ગલીમાં સુધરાઇ દ્વારા નિયમિત સફાઇ કરાય તેવી પણ માંગ ઊઠી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer