ગામડાઓના ચોરે વડીલોની હાજરી થકી જાણે અવિરત ચોકીપહેરો

ગામડાઓના ચોરે વડીલોની હાજરી થકી જાણે અવિરત ચોકીપહેરો
આણંદપર (યક્ષ), તા. 17 : ગામડાઓમાં હજુ પણ ગામના પાદર (વથાણ) કે બસ સ્ટેન્ડ પર સાતથી આઠ વડીલો ઓટલા પર જમાવટ કરીને પોતાના સુખ દુ:ખ કે ગામની નવીનતા અથવા કોઈ નવા જૂની થઈ હોય તો એકબીજાને સંભળાવે છે અને સાથે બીજાની સાંભળે પણ છે. તેમની આવી વાતોમાં મશગુલ હોય અને કોઈ અજાણી વ્યક્તિ જણાય અને તેમની પૂછપરછ કરવા લાગી જાય છે અને તેમને વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેમને ગામની અંદર જવાની ના પાડી દે છે. જો વ્યક્તિ બરોબર હોય તો જ ગામની અંદર જવા દે છે. અમુક આવી અજાણી વ્યક્તિ આવા વડીલોનું માને નહીં તો યુવાનોને બોલાવે છે અને યુવાનો પણ આવી રકઝક થતી હોય તો તરત જ પહોંચી આવે છે અને જે કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરે છે. આમ વડીલો હજુ પણ નિ:સ્વાર્થપણે ગામની ચોકી કરે છે તેમાં બપોરના ભાગે તો ખાસ ધ્યાન દોરતા હોય છે. બપોરના ટાઈમે તો ગામની અંદર કોઈ પણ વ્યક્તિને જવા દેતા નથી. આ વડીલો અજાણી વ્યક્તિને કહી દે છે કે હમણા લોકો સૂતા છે, જાગે ત્યારે જ ગામની અંદર જવાનું જેથી કરીને ગામડાઓમાં ચોરીના બનાવો ઓછા બનતા હોય છે. જે વડીલો આજે પણ ગામની દેખરેખ રાખી રહ્યા છે. નખત્રાણા તાલુકાના વિથોણ ગામે વડીલો આજે પણ ગામની જવાબદારી પોતાની જવાબદારી સમજીને સંભાળે છે. શંકાસ્પદ જણાતી વ્યક્તિને ગામની અંદર પ્રવેશ કરવા દેતા નથી તેવું વિથોણ ગામના અગ્રણી અને વેપારી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ રૂડાણીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer