નવજાત બાળાના કાચાં ફેફસાંને પકાવીને શ્વાસ લેતી કરી બચાવાઇ

નવજાત બાળાના કાચાં ફેફસાંને  પકાવીને શ્વાસ લેતી કરી બચાવાઇ
ભુજ, તા. 17 : અદાણી મેડિકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં છ મહિને જન્મેલી અને માત્ર 600 ગ્રામ વજન ધરાવતી બાળકીના અલ્પ વિકસિત અને કાચાં રહી ગયેલાં ફેફસાંને પકાવીને પૂર્ણ કદના કરી શ્વાસ લેતી કરી દીધા બાદ દોઢ મહિનાની સારવારના અંતે તેનું વજન પણ વધારી એ નવજાત શિશુને બચાવી લેવાઇ છે. બાળરોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલા જો અધૂરા મહિને અને 600 ગ્રામ જેટલા વજનના બાળકને જન્મ આપે તો તેને બચાવવાની શક્યતા નહીંવત એટલે કે બે ટકા જેટલી જ હોય છે. તેવા સંજોગોમાં અબડાસા તાલુકાનાં રામપરની મીરાબહેન હેમલિયાએ તેમની બીજી સુવાવડમાં બાળકીને જન્મ આપતાં આ પરિસ્થિતિ ઊભી થઇ હતી. માતાને અધૂરા મહિને લોહી પડવાનું શરૂ થઇ જતાં પ્રસૂતિ કરાવવી પડી. બાળકીના જન્મ સમયે ફેફસાં અલ્પ વિકસિત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી. તેથી વેન્ટીલેટર ઉપર મૂકી ફેફસાં પકાવવાના ઇન્જેકશન અપાયા હતા. નળીથી દૂધ આપવાનું અને ક્રમશ: ચમચીથી અને છેવટે માતાનું ધાવણ શરૂ કરાયું. અને અંતે વજન 200 ગ્રામ જેટલું વધી ગયું. બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણ, ડો. રેખા થડાની, ડો. હરદાસ ચાવડા, ડો. શમીમ મોરબીવાલા તેમજ રેસી. ડો. સન્ન શેખ અને ડો. સોમીલ પટેલ અને નર્સિંગ સ્ટાફે સારવાર આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer