સુજલામ -સુફલામે કચ્છનાં તળાવો કર્યાં હિલોળા લેતાં

સુજલામ -સુફલામે કચ્છનાં તળાવો કર્યાં હિલોળા લેતાં
ગાંધીધામ, તા. 17 : આ સરહદી કચ્છ જિલ્લાએ પાછોતરા કેટલાંક વર્ષોમાં કાળમુખા દુષ્કાળનું મોં જોયું છે. પાણીના અભાવે વેઠવી પડતી  મુશ્કેલીઓનાં દૃશ્યો આજેય  અનેક  લોકોના માનસપટ પરથી ભુસાયાં નહીં હોય. મેઘરાજાના રીસામણા માલધારીઓ અને અબોલ  પશુઓને ચિંતામાં મૂકી દેતા હોય છે. આ તમામ વેદના વચ્ચે ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે જળસંચયનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. રાજ્ય સરકારના  સુજલામ-સુફલામ જળ અભિયાન-2019 અંતર્ગત  અંજાર  તાલુકાના 19 અને ગાંધીધામ તાલુકાના બે સહિત  કુલ 21 તળાવને ઊંડાં કરવાનું   કામ આજુબાજુના ઔદ્યોગિક એકમના સંપૂર્ણ સહકારથી સંપન્ન થયું છે. જેથી જળ સંગ્રહશક્તિમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018માં સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજ્યના  તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ જળસંચયની કામગીરીના શ્રીગણેશ કરાયા હતા. આ અભિયાન તળે ચાલુ વર્ષે અંજાર અને ગાંધીધામ તાલુકાના 21 તળાવમાંથી અંદાજિત 93932 ઘનમીટર જેટલી માટી કાઢી તળાવને ઊંડાં  કરવાનું કામ કોઈ પણ સરકારી ગ્રાન્ટ વિના માત્ર ઔદ્યોગિક એકમના સી.એસ.આર ભંડોળમાંથી અંદાજિત બે મહિનામાં પૂર્ણ થયું છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અંજાર તાલુકામાં   વેલસ્પન ગ્રુપ દ્વારા મેઘપર કુંભારડીનાં સીમ તળાવમાં 3150, હીરાપરનાં જીલાઈ તળાવમાં 2706, આંબાપરનાં ગામ તળાવમાં 3585, જરૂના  ચેકડેમ નં. 1માં 5005, સુગારિયાનાં સરગાસર તળાવમાં 5522, સાપેડાનાં મંગાસર તળાવમાં 3330, વરસામેડીનાં સુતાસરી તળાવમાં 2792 સાથે કુલ 26090 ઘનમીટર માટી કાઢી ઊંડાં કરાયાં હતાં.  સૂર્યા રોશની લિ. એકમ દ્વારા  મોડસરનાં અંધારી તળાવમાં  2133, ભુવડનાં સીમ તળાવમાં 2450, મેઘપર કુંભારડીનાં  હિંગલાજ માતા તળાવમાં  2200, કુલ 6783 ઘ.મી., મોનો સ્ટીલ એકમ દ્વારા દુધઈનાં કરોખડી તળાવમાં 1293, સંઘડ સીમ તળાવમાં 4080, વીરા સીમ તળાવમાં 2699  સહિત કુલ 8072 ઘ.મી., રત્નમણિ મેટલ્સ એન્ડ ટયુબ લિ.ના સહયોગથી ટપ્પરના તળાવમાં 3741, ભીમાસરનાં ચકાસર તળાવમાં 5812 કુલ 9553 ઘ.મી., માન ઈન્ડસ્ટ્રીઝ  ઈન્ડિયા લિ. દ્વારા  રતનાલનું મોટાં તળાવમાં 7776, મારીંગણા સીમ તળાવમાં 3485  સાથે કુલ 11261 ઘ.મી.,  સરહદ ડેરી દ્વારા સંઘડના  મેમાસરી તળાવમાં 3600, ચાંદ્રાણી તળાવમાં 10380, કુલ  13980 ઘનમીટર  માટી કાઢીને  ઊંડાં કરાયાં હતાં. કચ્છ કેમિકલ કંપનીએ   ગાંધીધામ તાલુકાના પડાણા  રણમલસર તળાવમાં 16213, અને ગળપાદરનાં નગાસર તળાવમાંથી 1980નું કામ કરી કુલ 18193 ઘનમીટર  ખોદકામ કર્યું હતું.  અંજાર પ્રાંત અધિકારી ડો. વી. કે. જોષીનાં માર્ગદર્શન તળે  ગુણવત્તા નિયમન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અરજણ માતાના નિરીક્ષણ તળે તળાવની  જળ સંગ્રહશક્તિ વધારવાની કામગીરી પૂર્ણ થતાં અનેક સ્થળે વરસાદી પાણી સંચય થયું છે. આ  ઉનાળામાં  આ તાલુકામાં અબોલ પશુઓને પાણીની સમસ્યા નહીં ઊભી થાય તેવી આશા  માલાધારી વર્ગમાં પ્રબળ બની છે.   જે-તે ગામનાં  તળાવોનાં પાણીનો ઉપયોગ કરવાલાયક રાખવા તથા સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer