ટેસ્ટ રેન્કિંગ : મયંક, શમીનો વટ

દુબઈ, તા. 17 : બંગલાદેશ સામે ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટમાં ભારતની ઈનિંગ અને 130 રને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઝડપી બોલર મોહમ્મદ શમી અને ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે આઈસીસી રેન્કિંગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. પહેલી ઈનિંગમાં 27 રન આપીને ત્રણ વિકેટ અને બીજી ઈનિંગમાં 31 રન આપીને 4 વિકેટ લેનારો શમી સાતમા ક્રમાંકે પહોંચ્યો છે. જ્યારે મયંક અગ્રવાલ 11મા ક્રમાંકે છે. રેન્કિંગમાં શમીના નામે 790 અંક છે. જે કોઈપણ ભારતીય ઝડપી બોલર માટે ટેસ્ટમાં ત્રીજા સર્વશ્રેષ્ઠ અંક છે. ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આ મામલામાં કપિલ દેવ (877 અંક) અને જસપ્રીત બુમરાહ(832 અંક)  સાથે ક્રમશ: પહેલા અને બીજા સ્થાને છે. બંગલાદેશ સામે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 243 રન કરનારા મયંક અગ્રવાલે બેટ્સમેનોની યાદીમાં 11મું સ્થાન મેળવ્યું છે. કારકિર્દીની શરૂઆતની આઠ ટેસ્ટ મેચમાં જ 858 રન કરનારા મયંક અગ્રવાલના નામે 691 અંક છે. શરૂઆતની આઠ ટેસ્ટ મેચમાં માત્ર સાત બેટ્સમેનોએ મયંક અગ્રવાલ કરતાં વધારે રન કર્યા છે. જેમાં ડોન બ્રેડમેન (1210), એવર્ટન વિક્સ (968), સુનીલ ગાવસ્કર (938), માર્ક ટેલર (906), જોર્જ હેડલી (904), ફ્રેન્ક વારેલ (890) અને હર્બર્ટ સટક્લિફ (872) સામેલ છે. ભારતના કુલ ચાર બેટસમેન ટોપ-10માં સામેલ છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને, ચેતેશ્વર પૂજારા ચોથા સ્થાને, અજિંક્ય રહાણે પાંચમા અને રોહિત શર્મા 10મા ક્રમાંકે છે. બીજી તરફ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બેટ્સમેનની યાદીમાં ચાર સ્થાનના સુધારા સાથે 35મો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ઝડપી બોલર ઈશાન્ત શર્મા અને ઉમેશ યાદવે એક એક સ્થાનનો સુધારો કર્યો છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટોપ 10માં સામેલ છે. જ્યારે ઓલરાઉન્ડરની યાદીમાં ચોથા સ્થાને પહોંચ્યો છે. બંગલાદેશ તરફથી 43 અને 64 રન કરનારા મુશફિકુર રહીમ 30મા ક્રમાંકે પહોંચ્યો છે. જ્યારે લિટન દાસ 92માંથી 86મા સ્થાને પહોંચ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer