કોહલીના નેતૃત્વમાં ઝડપી બોલરોનો દબદબો
નવી દિલ્હી, તા. 17 : ટીમ ઈન્ડિયાનો વર્તમાન પેસ બોલિંગ એટેક શાનદાર છે. ઝડપી બોલરો સતત દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઈશાંત શર્મા, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ જેવા ઝડપી બોલરોએ ભારત જ નહીં, પણ વિદેશમાં પણ સફળતા મેળવી છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલરો ઉપર પૂરતો ભરોસો રાખ્યો છે અને આંકડા તેની સાબિતી આપે છે. ભારતીય બોલરોએ છેલ્લી 10 ટેસ્ટ મેચમાં 186 વિકેટ મેળવી છે. જેમાંથી 123 વિકેટ ઝડપી બોલરોના ખાતામાં ગઈ છે. જે છેલ્લા અમુક વર્ષમાં ભારતીય આક્રમણમાં સીમ અને સ્વિંગની વધતી શક્તિનો પુરાવો છે. ભારતીય ટીમ છેલ્લા એક વર્ષમાં 10માંથી આઠ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી છે અને તેમાં ઝડપી બોલરોનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. જેઓએ 102 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન અને જાડેજાની આગેવાનીમાં સ્પિનરોએ 54 વિકેટ લીધી છે. ઝડપી બોલરોમાં મોહમ્મદ શામીએ છેલ્લી તમામ 10 મેચ રમી છે અને તેમાં 18.42ની સરેરાશથી 45 વિકેટ લીધી છે. આ ઉપરાંત બુમરાહે છ મેચમાં 34, ઈશાંતે 8 મેચમાં 27 અને ઉમેશ યાદવે 4 મેચમાં 17 વિકેટ લીધી છે. ભારત 1932ની સાલથી ટેસ્ટ મેચ રમે છે એન મોટા ભાગે ભારતનું આક્રમણ સ્પિનરો ઉપર નિર્ભર રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 539 મેચ રમી છે, જેમાં બોલરોએ 7760 વિકેટ લીધી છે. કુલ વિકેટમાંથી ઝડપી અને મધ્યમ ગતિના બોલરોએ 3260 અને સ્પિનરોએ 4401 વિકેટ મેળવી છે. કુલ 539 મેચમાંથી કોહલીના નેતૃત્વમાં 52 મેચ રમાઈ છે, જેમાં બોલરોએ 911 વિકેટ લીધી છે, જેમાં ઝડપી બોલરોની 434 અને સ્પિનરોની 477 વિકેટ છે. બીજી તરફ ધોનીના કાર્યકાળમાં સૌથી વધુ વિકેટ લેવામાં આવી છે. ધોનીના નેતૃત્વમાં 936 વિકેટ મળી છે. જેમાં 466 વિકેટ ઝડપી બોલરોએ નામે કરી છે.