સેંકડો પ્રવાસીઓ મફત જ રણ નિહાળી ગયા

ભુજ તા 17 : કચ્છને પ્રવાસનના ક્ષેત્રે વિશ્વ ફલક પર નામના અપાવનાર રણોત્સવનો 28 ઓકટોબર એટલે કે ગુજરાતી નવા વર્ષથી આરંભ થઈ ગયો છે. જોકે હજુ સફેદ રણમાં પાણી ભરાયેલાં હોવાથી અગાઉના વર્ષોની તુલનાએ ઘણા ઓછા પ્રવાસીઓ આ વખતે આવ્યા છે. જોકે એક મહત્ત્વની બાબત એ જાણવા મળી છે કે અત્યાર સુધી જેટલા પ્રવાસીઓએ શ્વેત રણનો નઝારો માણ્યો તેઓએ કોઈ પણ જાતની પરમિટ મેળવી જ નથી. કારણ કે તંત્રે આ માટેની કોઈ વ્યવસ્થા કરી જ નહોતી. અંતે સરકારની તિજોરીને નુકસાન પહોંચી રહ્યાનું ધ્યાને આવતાં 14 નવેમ્બરથી પરમિટ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. આ વખતે રણોત્સવનો રંગ પ્રતિકુળ હવામાનના કારણે ફિકકો રહ્યો હોવા છતાં દિવાળી બાદની રજાઓ સમયે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવ્યા હતા. વિવિધ તંત્રો વચ્ચે સંકલનના અભાવના કારણે હજારો પ્રવાસીઓ પરમિટ મેળવ્યા વગર જ સફેદ રણ નિહાળી ચાલ્યા જતાં સરકારની તિજોરીને જ આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તાર સરહદી સુરક્ષાને ધ્યાને લઈ સંવેદનશીલ હોતાં તે બાબતને પણ ધ્યાને લઈ ભુજની પ્રાંત કચેરીએ કલેકટર નાગરાજન મહાલિંગમનનું આ બાબતે ધ્યાન દોરતાં તેમણે પરમિટ આપવાની બાબતે તાકીદે વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપતાં અંતે પ્રાંત કચેરીના મોનિટરિંગ હેઠળ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2011ની સાલથી સફેદ રણ નિહાળવા આવતા પ્રવાસીઓ પાસેથી પરમિટ ફી પેટે 100 રૂપિયા વસૂલવાની શરૂઆત થયા બાદ 8 વર્ષના સમયમાં કરોડો રૂપિયા જમા થઈ ગયા છે. આ રકમનો ઉપયોગ ધોરડો અને આસપાસના વિસ્તારમાં વિવિધ સુવિધાઓ માટે થઈ રહ્યાનો દાવો કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રણ એ કચ્છની શોભા છે અને જ્યારથી રણોત્સવ માટે આ રૂા.100 ફી મુકરર થઈ ત્યારથી  જિલ્લામાં ભારે નારાજગી પ્રર્વતી રહી હતી અને `જજિયાવેરા' સાથે તેની તુલના થઈ હતી, મહેસૂલ તંત્ર સાથે સંલગ્ન અમુક વેરો ઉઘરાવનારા લાખો રૂા. ચાંઉં કરી ગયા ત્યાં સુધી તંત્રના પેટનું પાણી પણ ન્હોતું હાલ્યું અને હવે આ વખતે ફી જ સાવ ભૂલી જવાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer