ડી.એમ.સિરીઝ કૌભાંડમાં `એજન્ટ'' જેલહવાલે

ભુજ, તા. 17 : અત્રેની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં આચરાયેલા ડી.એમ.સિરીઝ ફેઇમ ટેક્ષચોરી કૌભાંડના મસમોટા મામલાની તેજ બનેલી તપાસ વચ્ચે ધરપકડ કરાયેલા મૂળ બનાસકાંઠાના વતની અને ભુજ પાસેના માધાપર ગામે રહેતા આર.ટી.ઓ.એજન્ટ સુખવેન્દ્રાસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલહવાલે કરાયો હતો. આ પ્રકરણમાં વધુ વિગતો બહાર લાવવા માટે ફરિયાદી સહિતનાની ભૂમિકા સર્વગ્રાહી રીતે ચકાસવામાં આવી રહી હોવાનો નિર્દશ તપાસનીશ ટુકડીએ આપ્યો હતો. ભારે ચર્ચાસ્પદ એવા ડી.એમ. સિરીઝના આ કૌભાંડમાં જે તે સમયે જોરશોરથી શરૂ થયેલી તપાસ બાદ એક તબકકે છાનબીન સુષુપ્ત જેવી થઇ ગઇ હતી. બેથી ત્રણ તપાસનીશ એજન્સીઓ બદલ્યા બાદ અંતે હવે આ પ્રકરણની છાનબીન પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના વડામથકના નાયબ પોલીસ અધીક્ષક બી.એમ.દેસાઇને સુપરત કરવામાં આવી છે. જેમણે મૂળ બનાસકાંઠા સુઇ ગામના વતની અને હાલે ભુજ નજીકના માધાપર ગામે રહેતા સુખવેન્દ્રાસિંહ જાડેજા નામના આર.ટી.ઓ. એજન્ટની ધરપકડ કરી તેના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડ બાદ આ આરોપીને જયુડીશીયલ કસ્ટડીના હવાલે જેલમાં મોકલી અપાયો હતો.  દરમ્યાન તપાસનીશ શ્રી દેસાઇ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં હજુ ઘણી વિગતો બહાર આવે તેમ છે. કેસની ખૂટતી અને હજુ સુધી પાધરી ન થયેલી કડીઓ સ્પષ્ટ કરવા માટે ફરિયાદીના કોમ્પયુટર પાસવર્ડ અને આઇ.ડી.ની ચોરી અને તેમાં સામેલગીરી ધરાવનારા વિશે પણ પગેરું દબાવાઇ રહ્યું છે. તો કેસની ફરિયાદ અને ફરિયાદી સહિતના તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ થઇ રહ્યાનું કહેતાં તેમણે આગામી દિવસોમાં ધડાકાભરી વિગતો ખૂલવાનો નિર્દશ પણ આપ્યો હતો. દરમ્યાન રિમાન્ડ દરમ્યાન સુખવેન્દ્રાસિંહ પાસેથી કેસ સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો મળી છે. આ શખ્સ પાટણ આર.ટી.ઓ. કચેરીના કૌભાંડનો પણ આરોપી છે અને તેની સંડોવણી બિહાર અને ઝારખંડના વાહનો અનુસંધાને પણ ખૂલેલી છે. આ વચ્ચે સંબંધિતોના ફેરનિવેદન અને પૂછતાછ સહિતની કાર્યવાહી ઝડપી બનાવાઇ હોવાનો નિર્દેશ પણ મળ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer