બુઢારમોરા ગામે તસ્કરોનો સામૂહિક હલ્લો
ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં નિશાચરોએ સામૂહિક આક્રમણ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. તસ્કરોએ ત્રણ બંધ મકાનોના તાળાં તોડી તેમાંથી દાગીના, રોકડ રકમ, બાઇક વગેરે મળીને કુલ્લ રૂા. 48,500ની મતાની તફડંચી કરી હતી તો બીજી બાજુ અંજારનાં જ મથડા ગામની સીમમાં પવનચક્કીના વાયરો, સાધનો મળીને કુલ રૂા. 2,65,920ની મતાની તસ્કરી કરવામાં આવી હતી. બુઢારમોરા ગામના પરમેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને જય ભારત કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે નોકરી કરતા ઓમપ્રકાશ કનૈયાલાલ સૈનીએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગામમાં રણછોડ નાથા સથવારાના મકાનમાં ફરિયાદી તથા તેના અન્ય બે મિત્રો રહે છે. ગઇકાલે રાત્રે આ ત્રણેયની નાઇટ ડયૂટી હોવાથી ત્રણેય યુવાનોએ મકાનને તાળું મારી કામે ગયા હતા. દરમ્યાન વહેલી પરોઢે તેમના મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ બંધ મકાનનું તાળું તોડી તેમાં ઘૂસેલા તસ્કરોએ અંદરથી રોકડ રૂા. 6000 તથા ચાંદીની પોંચી, અને ત્રણ મોબાઇલની ચોરી કરી હતી. આટલાથી સંતોષ ન થતાં તસ્કરોએ બાજુમાં આવેલા મહેન્દ્ર ગોપાલ સથવારાના બંધ મકાનને હડફેટમાં લીધો હતો. આ મકાનમાં જય હિંદ ભારતી નામનો યુવાન ભાડે રહે છે. તેની પણ નાઇટ ડયૂટી હોવાથી તે કામ ઉપર હતો. આ મકાનમાંથી તસ્કરોએ એક મોબાઇલ અને રોકડ રૂા. 3500ની ચોરી કરી હતી. આ બનાવને અંજામ આપી નિશાચરો આગળ વધ્યા હતા. અને સોમજી ધના સથવારાના આંગણામાંથી બાઇક નંબર જીજે- 12-એએમ- 2600ની ચોરી કરી હતી આ ત્રણેય મકાનોમાંથી રૂા. 48,500ની મતાની ચોરી કરી તસ્કરો બાઇક પર સવાર થઇને નાસી ગયા હતા. બીજી બાજુ મથડા ગામની સીમમાં પવનચક્કીના બે થાંભલા વચ્ચે ચોરીનો બનાવ બન્યો હતો. આ સીમમાં ક્રિન્ટેક સિનર્જી પ્રા. લિમિટેડ નામની કંપની પવનચક્કીની વીજ લાઇનની સિંગલપોલ લાઇન ઊભી કરાવાનું કામ કરી રહી છે. આ બે થાંભલા વચ્ચેથી પેન્થર કંડકટર વાયર 33 કે.વી. 1190 કિલો તથા સસ્પેન્શન હાર્ડવેર નંગ-6, રાધેડીશ એન્સ્યુલેટર નંગ-12, ડેકન ટેનસન હાર્ડવેર નંગ-4, યુબોલ્ટ નંગ-10, એમ કુલ્લ રૂા. 2,65,920ની મતાની તસ્કરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગાંધીધામ અને મેઘપર બોરીચીમાં હાલમાં થયેલ ચીલઝડપ, અગાઉ થયેલી અનેક ઘરફોડ ચોરી, અંજાર, ભચાઉ, સામખિયાળી, રાપરની અનેક ચોરીના બનાવ હજુ ઉકેલાયા નથી તેવામાં નિશાચરોએ બુઢારમોરામાં સામૂહિક આક્રમણના બનાવને અંજામ આપીને પોલીસને રીતસર દોડતી કરી મૂકી હતી.