છતરડી તળાવની પક્ષી વસાહતનું સંતો દ્વારા નવીનીકરણ

ભુજ, તા. 17 : છતરડીનું તળાવ શિયાળાની ઋતુ દરમ્યાન જીવંત બની જાય છે. છતરડીનું પર્યાવરણ પક્ષીઓને અતિશય અનુકૂળ આવતું હોવાથી અહીં બનાવાયેલા કૃત્રિમ ટેકરાઓ પર આવેલા વૃક્ષો તેમના માટે આદર્શ આશ્રય સ્થાન બની રહે છે. જંગલ ખાતામાંથી નિવૃત્તિ પામેલા વન અધિકારી સ્વ. મનમોહનસિંહ ગોહિલે 25 વરસ પહેલાં છતરડી તળાવને ઊંડું ઉતારવામાં સ્વામિનારાયણ મંદિરના સહકારથી ચાલતા કામમાંથી વધારાની માટીનો સદઉપયોગ કરી અહીં લગભગ 15 જેટલા ટેકરા બનાવાયા હતા. જેના પર કચ્છ જે કારાયલ જે કેકારવ સંસ્થાના કન્વીનર નવીનભાઈ બાપટના સહકારથી દેશી બાવડ-વડના વૃક્ષો વાવી જતન કરતા આ જગ્યા નાનું પક્ષી અભ્યારણ બની ગઈ છે. સ્વામિનારાયણ મંદિર તરફ હાલમાં છતરડી તળાવ વરસાદના અભાવે ખાલી થવાથી તળાવના સપાટ મેદાનમાં શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના યોજાનાર ભવ્ય મહોત્સવની તૈયારીરૂપે મેદાનને સમથળ બનાવવાની કાર્યવાહી દરમ્યાન પેદા થયેલી માટીનો સદઉપયોગ પક્ષી બચાવવાના સતકાર્યરૂપે વાપરવાની સ્વામિનારાયણનાં સંતો અને આયોજકોને શ્રી બાપટે પ્રતિનિધિ સ્વરૂપે વિનંતી કરતાં સંતોને વાત યોગ્ય લાગતાં તાત્કાલિક આ બધા જ પક્ષી આશ્રયસ્થાન સમા ટાપુઓને અતિ વ્યવસ્થિત રીતે મઠારી સુંદર સ્વરૂપ આપી પક્ષી વસાહતનું નવીનીકરણ કરી એક અત્યંત ઉદાહરણીય ધાર્મિક રીતે પર્યાવરણ રક્ષાનુ ંભગીરથ કાર્ય કરેલું છે જે ધન્યવાદને પાત્ર છે. પક્ષી સંરક્ષણનું કાર્ય આટલેથી નહીં અટકાવતા સ્વામિનારાયણનાં સંતગણ કોઠારી સ્વામીએ અહીં લગભગ 100થી વધારે વૃક્ષો છતરડી તળાવમાં વાવી આપી તેનું જતન કરી - મોટા થાય ત્યાં સુધી ઉછેરી આપવાની પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી. પર્યાવરણના કાર્યને જો આવી ઊંડી સમજ ધરાવનાર સંત સમાજનો સાથ મળે તો પર્યાવરણની મોટા ભાગની સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ સ્વામિનારાયણના આગામી મહોત્સવના સંચાલકો અને સંતોએ પૂરું પાડેલું છે. પ્રતિનિધિ મંડળમાં સહકાર આપનાર અડીખમ કાર્યકર્તાઓ પૈકી જોશી રતનેશ્વર ભવાનીશંકર, ગોવિંદભાઈ વાણિયા, રાજુભાઈ ગોહિલ, ભરતભાઈ સોલંકી અને હરજી ધેડા જેઓ જંગલ ખાતા સાથે જોડાયેલા હતા તેઓ પોતાની નિવૃત્તિને જંગલને વધારી વૃક્ષ ઉછેર યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપી પ્રકૃતિને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. નગરપાલિકાના કારોબારીના ચેરમેન ભરત રાણાએ આ બાબતમાં સૌને પ્રેરિત કરી સહકાર આપ્યો હતો.સંતોમાં મહંતસ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, કોઠારી સ્વામી દેવપ્રકાશજીએ આશીર્વાદ આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer