ખેડૂતોને માથે પડેલી માવઠાની આફતમાં કોંગ્રેસનો સાથે રહેવા કોલ

ભુજ, તા. 17 : કમોસમી વરસાદથી થયેલા પાકનાં નુકસાન અંગે કોંગ્રેસ પક્ષનાં આગેવાનોએ આહીરપટ્ટીનો પ્રવાસ કરી ખેડૂતોનાં દર્દ જાણ્યા હતા. હાલમાં થયેલા કમોસમી માવઠા તથા કરાનાં વરસાદથી ચપરેડી, વરનોરા, ઝીંકડી પંથકનાં ગામોના ખેડૂતોને સહાય મળે તે માટે નુકસાનીનો અંદાજ કાઢવા તથા વહીવટી માર્ગદર્શન પૂરું પાડવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિ.પં.ના વિપક્ષી નેતા વી. કે. હુંબલ, જિ.પં. ભુજ તા.પં.ના વિપક્ષી ઉપનેતા રાજેશ આહીર, બક્ષીપંચના પ્રદેશ ઉપપ્રમુખ શામજીભાઇ ડાંગર, જિલ્લા મંત્રી ધીરજ દાફડા વિગેરેએ પ્રવાસ કર્યો હતો. અટલનગર, ચપરેડી, મોટા, નાના વરનોરા, પૈયા, ઝીંકડી, ગળપાદર, રાયધણપર, ત્રાયા, નાગોર, ત્રંબૌ, સરસપર વિગેરે ગામોમાં બેઠકો યોજી હતી. પક્ષના જિલ્લા કોં. પ્રમુખ શ્રી જાડેજાએ ખેડૂતોને માથે પડેલી આફતમાં કોંગ્રસ પક્ષ સાથે રહેશે તેવો કોલ આપ્યો હતો. આ વિસ્તારના એરંડા, કપાસ, તલ તથા દાડમનાં પાકોને 100 ટકા નુકસાન થયું છે. જેનાં પ્રમાણે અમુક કિસાનોને વ્યક્તિગત 25 લાખ જેટલું નુકસાન થયું છે જેનાથી માનસિક સમતુલા ગુમાવી દીધી છે. આપઘાત જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તે પહેલાં સરકારે યોગ્ય કરવું જોઇએ.આ વિસ્તારના લોકો ખેડૂતોની માંગો જેવી કે સરકાર ખેડૂતોનાં લેણા ત્વરિત માફ કરે. હાલમાં વીજ બિલ માફ કરે, ઘર-મકાનોને નુકશાન પતરાં, છાપરા ઉડી ગયા તેને સહાય, ઘર વખરી સહાય, પાકના નુકસાનીનાં પ્રમાણમાં પેકેજ યોગ્ય રીતે જાહેર કરે એવી સ્થાનિકોએ માંગ કરી હતી. તમામ ખેડૂતોની વેદનાને ઉચ્ચસ્તરે વાચા આપવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓએ હૈયાધારણ આપી હતી.  ગ્રામ્યસ્તરે ખેડૂતો અને લોકોએઁ આ કોંગ્રેસ આગેવાનોનો દુ:ખમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો એવું જિલ્લા પ્રવકતા દીપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer