માંડવીમાં દુકાનમાંથી ચારેક લાખના વાયર ચોરાયા

માંડવી, તા. 17 (પ્રતિનિધિ દ્વારા) : શહેરની પાદરે ગઢશીશા રોડ પર આવેલા એક ધંધા સ્થળેથી વિતેલી રાત્રિ દરમ્યાન તસ્કરો ચારેક લાખની કિંમતના તાંબાના વાયર સહિતની ચોરી કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જોકે, મોડી સાંજ સુધી આ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ ન હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી હતી. ચોરીનો ભોગ બનેલા વર્તુળોમાંથી મળેલી વિગતો પ્રમાણે હરિઓમ મોટર રિવાઇડિંગ નામનું ધંધાનું સ્થળ ગઢશીશા રોડ ઉપર (શહેરથી દોઢેક કિ.મી. દૂર) એક સ્કૂલ નજીક આવેલું છે. રાત્રિ દરમ્યાન હરામખોરોએ હાથ અજમાવીને તાંબાના વાયરો સહિતના સાધનો મળીને અંદાજે ચારથી સાડા ચાર લાખની કિંમતની તસ્કરી કરીને મંદીના માર વચ્ચે દશા ફેરવી દીધી છે. પોલીસ સામે પડકારરૂપ આ બાબત પ્રકાશમાં આવતાં કહે છે કે, ઘટના સ્થળની મુલાકાત, પ્રાથમિક જાણકારી પોલીસ કર્મીએ લીધી હતી. પોલીસના ચક્કર લગાવ્યા બાદ પણ પોલીસ દફતરે  આ સંબંધે કોઇ ફરિયાદ દર્જ નહીં કરાવાઇ હોવાની વિગતો મળી હતી.મળતી વધુ વિગતો મુજબ બે-ત્રણ દિવસો પહેલાં નજીકમાં આવેલી એક ફેક્ટરીમાંથી લાગ ભાળી ગયેલાઓએ હાથ માર્યો હતો. આ પ્રકારની ચોરી-ચપાટીઓને માથે હાથ દઇ વેઠી લેવાની મનોવૃત્તિ ચોરટાઓને જાણે અજાણે મોકળું મેદાન આપતી હોવાથી પોલીસ સ્ટેશન સુધી પહોંચવામાં લેવાતી સુસ્તી ઝાટકી નાખવી સમયની માંગ હોવાનું જાગૃત નાગરિકોએ  પ્રત્યાઘાતો આપતાં કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer