માર્ગ અકસ્માતના જુદા જુદા બનાવોમાં મહિલા સહિત ચાર વ્યકિત ઘવાયા
ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકામાં દેશલપર (ગુંતલી) ગામ નજીક ટ્રેકટર સાથે ટ્રક અથડાતાં થયેલા અકસ્માતમાં દેશલપર ગુંતલીના વનિતાબેન અરાવિંદ કોળી (ઉ.વ.22) અને નારાયણ દેવજી ચાવડા (ઉ.વ. 45)ને ઇજાઓ થઇ હતી. તો બીજીબાજુ પૂર્વ કચ્છમાં અંજાર-ભીમાસર રોડ ઉપર બાઇક રસ્તો ઊતરીને આડી પડી જતાં તેના ચાલક કંપની કર્મચારી એહેધુલ આબીદ અલી (ઉ.વ.23) જખ્મી થયો હતો. જ્યારે આદિપુર શહેરમાં બાઇક સ્લીપ થઇ જતાં તેના ચાલક આદિપુરના અબ્બાસ નૂરમામદ મોખા (ઉ.વ.23)ને ઇજાઓ થઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર દેશલપર ગુંતલી નજીક રોડ ઉપર ગઇકાલે સંધ્યા સમયે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત વનિતાબેન અને નારાયણ ચાવડાને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો અંજાર-ભીમાસર માર્ગે એ.બી.જી.કંપનીમાં કામે જઇ રહેલા એહેધુલની આંખો સામેથી આવતા વાહનની લાઇટમાં અંજાઇ જતાં તેની બાઇક રસ્તો ઊતરી જતાં તે ઘવાયો હતો. તેને પણ ભુજ જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે આદિપુરમાં મણિનગર વિસ્તારમાં ઓમ મંદિર પાસે આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે રસ્તામાં શ્વાનો આડા આવી જતાં અબ્બાસ મોખાની બાઇક સ્લીપ થઇ ગઇ હતી. તેને પણ ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.