તો કંડલા એરપોર્ટમાં એર કાર્ગોની વ્યવસ્થા થાય

ગાંધીધામ, તા. 17 : એરપોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા વિમાની મથક ખાતે નવા ટર્મિનલના નિર્માણ માટેના ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે હાલના ટર્મિનલમાં એર કાર્ગોની સુવિધા અહી શરૂ થઈ શકે તેવી શકયતાઓ ઊજળી બની છે. નવું ટર્મિનલ 2020ના ગાળામાં કાર્યરત થઈ ગયા બાદ  જૂના ટર્મિનલમાં એર કાર્ગોની સુવિધા શરૂ કરી શકાશે. એર કાર્ગોમાં કોઈ પ્રતિબંધિત કે જોખમી વસ્તુ આવે નહીં તે માટે સઘન તપાસની વ્યવસ્થા સહિતની તકેદારી રાખવી પડે છે. અને આ માટે ઓથોરિટી દ્વારા અલાયદા સ્કેનર સહિતની વ્યવસ્થા વિકસાવામાં આવતી હોય છે અને આ માટે ખાસ અલગ ટર્મિનલની જરૂરિયાત હોય છે. કંડલા વિમાની મથક ખાતે આ નવું ટર્મિનલ બની ગયા બાદ જૂના ટર્મિનલમાં  થોડા  ફેરફરા કરી એઈરકાર્ગોની સુવિધા શરૂ કરી શકાય અને આ વિસ્તારમાં આ સુવિધા શરૂ કરવાથી એરપોર્ટ ઓથોરિટીને મોટો આર્થિક ફાયદો પણ થઈ શકે છે. હાલ  ખાનગી કંપનીઓના વિમાનો પૈકી પ્રત્યેક વિમાનમાં 100 કિલો કાર્ગો જઈ શકે તેવી શકયતા હોય છે. પરંતુ અલગ ટર્મિનલ ન હોવાના કારણે  બન્ને વિમાનોમાં કાર્ગો જઈ શકતો નથી. હાલ માત્ર ગાંધીધામ સંકુલમાં જ  વેબસાઈટ  ઉપર ઓનલાઈન ખરીદીનું ચલણ ભારી માત્રામાં વધ્યું છે  ત્યારે કંડલામાં આ સુવિધા શરૂ થાય તો લોકોને બીજા જ દિવસે ડિલિવરી મળી જાય તેમ છે. આ ઉપરાંત પણ  અન્ય ચીજ વસ્તુઓનું વહન પણ વધુ ઝડપી બની શકે.  નવું ટર્મિનલ બન્યા બાદ ખાસ કાર્ગો માટે અલાયદું વિમાન પણ આવી શકે તેવી સુવિધા અહી ઉપલબ્ધ થઈ શકશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer