કંડલા એરપોર્ટની રાત્રિ સેવાને આડે આવે છે ચીમની તથા ટાવરો

ગાંધીધામ, તા.17 : લાંબા અરસા સુધી વિમાની સેવાઓ કાયમી ધોરણે ચાલુ રહેતી ન હોવાથી સૂમસામ રહેતું કંડલા વિમાની મથક હવે વિમાનોની ઘરઘરાટીથી ધમધમતું બન્યું છે. પરંતુ દિવસ દરમ્યાન જ રાત્રિના ઓપરેશન થઈ શકે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ તો છે. પરંતુ મોબાઈલ ટાવર અને કંપનીની ચીમનીઓના કારણે મંજૂરી મળતી ન હોવાનું જાણવા મળે છે. કંડલા એરપોર્ટ ઉપર નાઈટ નેવિગેશન માટેની પૂરતી  સુવિધાઓ ઉપલબ્ધ છે.  ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશન સમક્ષ મંજૂરી માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં  દરખાસ્ત પણ કરી દેવાઈ છે પરંતુ  વિમાની મથકની આસપાસ આવેલી ખાનગી  કંપનીની ચીમનીઓ અને મોબાઈલ કંપનીના ટાવરોના કારણે અકસ્માતની શકયતા  દર્શાવી ડી.જી.સી.આઈ. દ્વારા નાઈટ નેવિગેશનની મંજૂરી અપાતી ન હોવાનુ અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે. એરપોર્ટ ઉપર ભલે લાઈટિંગની સુવિધા હોય પરંતુ એ પહેલાં રાત્રિના વિઝિબિલિટી ઓછી હોવાથી ચીમનીઓ અથવા મોબાઈલ ટાવર સાથે વિમાન અથડાય તેવી શકયતાઓ વધી જતી હોવાનું  કારણ દર્શાવાઈ રહ્યું છે. આ કારણોસર હાલ 10 મહિનાથી નાઈટ નેવિગેશનની અરજી મંજૂરીની રાહમાં છે. દિવસના વિઝિબિલિટી હોવાથી પાઈલટ તકેદારી રાખી શકે. રાત્રિના અકસ્માતની શકયતાઓ વધી જાય તેવું  ડી.જી.સી.આઈ. કહી રહ્યું છે અને ચીમનીઓની ઊંચાઈ ઓછી કરવામાં આવે અને મોબાઈલ ટાવર અન્યત્ર ખસેડવામાં આવે તો મંજૂરી મળે તેમ હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે. કંડલામાં જો નાઈટ નેવિગેશન શરૂ થાય તો વીમાની કંપનીઓને સારો  ટ્રાફિક મળે તેમ છે. સવારે કંડલાથી દિલ્હી કે મુંબઈ પહોંચી તે જ દિવસે રાત્રિના કંડલા આવી શકે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer