ગાંધીધામ પાલિકાએ વર્કઓર્ડર પહેલાં આપી દીધો અને કરાર પછીથી કર્યો !

ગાંધીધામ, તા. 13 : શહેરની મુખ્ય બજારમાં રસ્તા વચ્ચે પેનલ ઊભી કરીને બેસાડાયેલાં હોર્ડિંગ્સ અંગે સંબંધિત જાહેર ખબર પેઢી સાથે પાલિકાએ કરાર કર્યો તેના પાંચ દિવસ પહેલાં જ વર્કઓર્ડર આપી દઈને ગેરકાનૂની કૃત્ય કર્યું હોવાનો આરોપ વિપક્ષ કોંગ્રેસે મૂકયો છે. વિપક્ષી નગરસેવક નીલેશ ભાનુશાળીએ સુધરાઈના મુખ્ય અધિકારીને એક પત્ર પાઠવીને જાહેરાતનાં હોર્ડિંગ્સ અંગે થયેલા કરારની કેટલીક શરતોના અમલીકરણની પણ માંગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, નગરપાલિકા અને જાહેરાતના હોર્ડિંગ્સનું ટેન્ડર ભરીને કામ લેનારી ભુજની એજન્સી એન.કે. પબ્લીસિટી વચ્ચે તા. 16/7/2019ના 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવામાં આવ્યો. નિયમ પ્રમાણે આ કરાર થયા બાદ પાલિકાને ભરવાની થતી રકમ ભર્યા પછી જ વર્કઓર્ડર ઈશ્યૂ થઈ શકે, પરંતુ ગાંધીધામ પાલિકાએ મુખ્ય અધિકારીની સહીથી વર્કઓર્ડર તા. 11/7/2019ના આપી દીધો હતો. શ્રી ભાનુશાળીએ તે અંગેના પુરાવા પણ પત્ર સાથે બિડયા છે. આ ઉપરાંત કરારનામાની શરત નં.15માં હોર્ડિંગ્સ સંદર્ભે પ્રાકૃતિક આપદા સમયે થનારી નુકસાની કે અકસ્માત સમયના નુકસાન અંગે ઈજારાદારની જવાબદારી રહેશે. આ અંગેનો વીમો લેવાની જવબાદારી ઈજારાદારની રહેશે. શરત સ્પષ્ટ હોવા છતાં પાલિકાને પૂછતાં હજુ સુધી આવો કોઈ વીમો લેવાયો નથી તેવું જાણવા મળ્યું હતું. ઓનરોડ હોર્ડિંગ્સ લગાડતાં પહેલાં અને પછી સ્ટ્રકચરલ એન્જિનીયરનું સેફટી સર્ટિફિકેટ રજૂ કરવા અંગે શરત નં. 17માં જણાવાયું છે, પરંતુ આ બંને પ્રમાણપત્ર નગરપાલિકા પાસે નથી. ટેન્ડર લેનારા ઈજારદારે જરૂરી સ્ટેમ્પ ડયૂટી ભરવાની છે. આ કિસ્સામાં સ્ટેમ્પ ડયૂટી પણ ભરાઈ ન હોવાનો આરોપ વિપક્ષી નગરસેવકે કર્યો છે. તેમણે આ સમગ્ર બાબતની તપાસનો મુખ્ય અધિકારીને અનુરોધ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer