ગાંધીધામની માનુની મિસિસ યુનિવર્સ 2019ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં

ગાંધીધામ, તા. 17 : અહીંની મહિલા ડોલી આહુજાએ યુનાઈટેડ કિંગ્ડમમાં મિસિસ ઈન્ડિયા યુ.કે. 2019 અને મિસિસ ઈંગ્લેન્ડ યુનિવર્સ 2019ના ખિતાબ હાંસિલ કરી લીધા બાદ હવે મિસિસ યુનિવર્સ 2019ની આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે. ગાંધીધામમાં ભૂકંપ અને વાવાઝોડા દરમ્યાન મોતને નજીકથી નિહાળનાર અહીંની આ માનુનીએ મિસિસ ઈન્ડિયા યુકે બ્રાન્ડ એમ્બેસેડર 2019 અને મિસિસ ઈન્ડિયા યુ.કે. ગ્લેમરસ 2019નો ખિતાબ પણ મેળવ્યો છે. તેઓ 16 વર્ષના હતા ત્યારથી સમાજ સેવામાં અગ્રેસર છે. ગાંધીધામમાં શિક્ષણ તથા મહિલાઓ ઉપર ઘરેલુ અત્યાચારના મુદે સામાજિક કાર્યો કર્યા હતા.હાલમાં તે યુનાઈટેડ કિંગ્ડમ, આફ્રિકા, મોરેશિયસ, યુનાઈટેડ સ્ટેટસમાં પણ આ સામાજિક કામગીરી કરી રહી છે. હાલમાં તેને ઈંગ્લેન્ડમાં મહિલાઓની સહાય અને ઘરેલુ અત્યાચાર નાબૂદ કરવા રાજદૂત (એમ્બેસેડર)નું બિરુદ આપવામાં આવ્યું હતું. ઘાના ખાતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ દિલ્હી દ્વારા તેને મિસિસ ગુજરાત 2020 સૌંદર્ય સ્પર્ધા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. સામાજિક ઉતરદાયિત્વ નિભાવશો તો કુદરત તમને બેવડું આપશે તેવું માનનાર અહીંની આ દીકરી ચીન ખાતે યોજાનાર મિસિસ યુનિવર્સ 2019માં ભાગ લેશે. આ સ્પર્ધામાં 90 દેશોના સ્પર્ધકો ભાગ લેવાના છે. તે સફળ થાય તે માટે અહીંના લોકોએ તેમને  શુભેચ્છા પાઠવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer