ભચાઉમાં મુનિ સુવ્રત સ્વામી જૈન દેરાસરની ખનનવિધિ

ભચાઉ, તા. 17 : ભચાઉ રેલવે સ્ટેશન સામે મુંબઇ સ્થિત કચ્છી અગ્રણી દાતા ખીમજીભાઇ વિજપાર સત્રા (ભરૂડિયા) દ્વારા ભક્તિ, ભજન, ભોજનના ત્રિવેણીસંગમ રૂપે તા. 16/11ના મૂળ નાયક મુનિ સુવ્રત સ્વામી જૈન દેરાસરની ખનનવિધિ કરાઇ હતી. ચોમાસું બિરાજમાન હંસકીર્તિ આદિઠાણાના સાંનિધ્યમાં વિધિ કરાઇ હતી. 353 આયંબીલ કરનારા પૂ. શ્રીએ કહ્યું કે, ભચાઉ જૈનોમાં તીર્થસ્થાન છે જ પરંતુ જ્યાં પાંચ દેરાસર હોય એ તીર્થ ગણાય એ દ્રષ્ટિએ આજે પાંચમું દેરાસર બનવા જઇ રહ્યું છે ત્યારે આ દેરાસરના આયોજક ખીમજીભાઇને અભિનંદન આપ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, ચિંતામણિ દેરાસર, જૈન ધર્મશાળામાં શંખેશ્વર પાર્શ્વનાથ અને જ્યાં જૈનો રહે છે તે વર્ધમાનનગર સોસાયટીમાં સંભવનાથ ભગવાનનું દેરાસર છે અને હવે મેઘદૂત કોમ્પ્લેક્સમાં માતા મોંઘીબેન વિજપાર નોંઘા સત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુનિ સુવ્રત સ્વામી જિનાલય એક વર્ષમાં તૈયાર કરાશે. દાતા ખીમજીભાઇએ બાધા રાખી છે તે તેમની પ્રભુ પ્રત્યેની લાગણી દર્શાવે છે. આ પ્રસંગે વર્તમાન ગચ્છાધિપતિ કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.એ સુરતથી આશીર્વાદરૂપે વાસક્ષેપ  મોકલી હતી. શંખેશ્વર જૈન પેઢી દ્વારા પણ આશિષ પત્ર મોકલ્યા હતા.દાતા ખીમજીભાઇએ કહ્યું કે, વતન વાગડમાં અનેક વિકાસ છે ત્યારે આ દેરાસરથી ભચાઉનો વધુ વિકાસ થાય એ હેતુએ આ દેરાસરની બાજુમાં ઉપાશ્રય અને સાધુ-સાધ્વી તથા જૈનોને સુવિધારૂપે ભોજન શાળા બનાવી છે. ઉપરાંત રહેવા માટે 12 વાતાનુકૂલિત રૂમ તથા સામાન્ય વર્ગને પરવડે તે માટે 40 પલંગવાળી ડોરમેટરી સાથે લોકરવાળી સુવિધા કરાશે.સ્થાનિક ચિંતામણિ દેરાસર સંઘ, ભરૂડિયા મૂ.પૂ. જૈન સંઘે સેવા બજાવી હતી. પ્રભુભાઇ, જયેન્દ્ર શેઠ, જખુભાઇ?છેડા, કાનજીભાઇ?છેડા, ધનજી શામજી રીટા, લાકડિયા હ. મુંબઇ વગેરેએ હાજરી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer