ગુજરાતના પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટનો ભુજમાં પ્રારંભ

ગુજરાતના પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટનો ભુજમાં પ્રારંભ
ભુજ, તા. 16 : ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકોને સફાઈ બાબતે કોઈ પ્રશ્ન ન થાય તેવા ઉદેશ સાથે રાજ્યના પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટનું લોકાર્પણ ભુજના રેલવે મથકે ભારતીય રેલ બોર્ડના રોલિંગ સ્ટોક સદસ્ય રાજેશ અગ્રવાલના હસ્તે આજે સવારે થયું હતું. રૂા. 1.70 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્લાન્ટથી મેન પાવરની સાથોસાથ પાણીનો પણ બચાવ થશે અને ચાલુ વર્ષે દેશભરમાં આવા 100 પ્લાન્ટ લગાવાનું આયોજન છે. નવી દિલ્હીથી ખાસ સલુન દ્વારા ભુજ આવેલા શ્રી અગ્રવાલે સવારે જ આવી પહોંચેલી મુંબઈ ટ્રેનનું નિરીક્ષણ કરી વિવિધ અધિકારીઓને સૂચના આપી હતી. તેઓ ખાસ કરીને વાતાનુકૂલિત કોચની સ્થિતિ જોઈ  રીતસર નારાજ થયા હતા અને તેમાં વિવિધ બદલાવો સૂચવ્યા હતા. આ ઉદ્ઘાટનના પ્રસંગે રેલવે બોર્ડના રોલિંગ સ્ટોક સદસ્ય શ્રી અગ્રવાલ તેમજ પશ્ચિમ રેલવેના ચીફ મેકેનિકલ ઈન્જિનીયર અશેષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભુજ તરફ આવતી ટ્રેનમાં નવા આધુનિક ડબ્બાવાળી એલએચબીની રેક કન્વર્ટ કરી છે અને આવનારા દિવસોમાં હજુ ત્રણ રેક કન્વર્ટ કરાશે. આમ હવે નવા આધુનિક કોચ હોવાથી તેની સફાઈ પણ આધુનિક રીતે થાય તેવા ઉદ્દેશથી ગુજરાતમાં પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ આજથી કાર્યાન્વિત કરાયો છે. આથી હાઈટેક રીતે હવે ટ્રેન ચળકાટ મારતી પ્રવાસીઓ જોઈ શકશે. રાજેશ અગ્રવાલે મીડિયા સાથે વાતચીતમાં વધુમાં ઉમેર્યું હતું કે, આધુનિક જમાના પ્રમાણે પીટલાઈનમાં ઓટોમેટિક ડિટેક્શન, રોલિંગ એન્ટ્રી પણ હાઈટેક પદ્ધતિથી શરૂ થઈ ચૂકી છે. અને ચાર ટનની ક્ષમતાવાળી લોન્ડ્રીની માંગ સંતોષાતા મુશ્કેલી હળવી બનશે. નલિયા બ્રોડગેજ અંગે પ્રશ્ન પૂછતાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, પી.પી. મોડથી આ કામ ચાલુ થાય તેવું અમે ઈચ્છીએ છીએ, પરંતુ નલિયા ક્ષેત્રની કંપનીઓ આ માટે આગળ નથી આવી રહી. જો આવી ખાનગી કંપનીઓ આ પ્રોજેક્ટ સાથે જોડાય તો એક વર્ષથીય ઓછા સમયમાં ગેજ રૂપાંતરની કામગીરી પૂરી થઈ શકે. આનાથી કંપનીઓ, મુસાફરો અને રેલવેને પણ ફાયદો થઈ શકે. રૂા. 1.70 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ પર જ્યારે સફાઈ માટે ટ્રેન આવે અને ધીમી ગતિએ ગાડી આગળ વધતી જાય તેમ તેમતેની સફાઈ થતી જાય. આ માટે બંને બાજુ વર્ટિકલ બ્રશ મૂકવામાં આવ્યા છે. વોશિંગ પાઉડર તથા જેટ સ્પ્રેથી પાણીનો છંટકાવ થાય અને આગળ જતા આ કોચને સૂકવવા માટે ડ્રાયર પણ લગાવાયા છે. આજના આ ઉદ્ઘાટન પ્રસંગે સિનિયર ડી.એમ.ઈ. પી.યુ. જાદવ, એ.આર.એમ. આદેશ પઠાનિયા, એ.ડી. આર.એમ. શ્રી શીંદે ઉપરાંત અનેક રેલવે અધિકારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સ્ટેશન માસ્ટર કે.કે. શર્માએ સંભાળી હતી. રણોત્સવ માટે માંગ આવતાં ખાસ ટ્રેન અને રણોત્સવના રંગોથી રંગવાનીય તૈયારી છે અહીં રણોત્સવ ચાલુ રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું વિચારી રહ્યાનું રાજેશ અગ્રવાલે જણાવી કહ્યું હતું કે, આ વખતના કુંભ મેળામાં તે તરફ જતી દરેક ટ્રેનના કોચને કુંભના રંગોથી રંગવામાં આવ્યા હતા. 100 ટકા બાયો ટોયલેટ લગાવાયા હતા અને હાલ કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઉત્સવના આયોજકો પણ જો ગાડીની ઓનરશિપ લઈ લે તો પ્રવાસીઓના ઝુંડના ઝુંડ આવવા શરૂ થઈ જશે. માંગ આવશે તો તે માટે વધારે ટ્રેન દોડાવવાના પ્રયાસો થશે. અને ટ્રેનને પણ રણોત્સવના રંગથી રંગાવી દેવાની અમારી તૈયારી છે. અમે માંગના ઈંતજારમાં છીએ.

 
કચ્છની ટ્રેનોમાં કચ્છી ચાદર
રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોચના એરકંડિશન યુનિટનું રિમોટ મોનિટરિંગ થશે. આથી ડેપો જાણકારી મળશે કે કયા કોચમાં હાલે તાપમાન શું છે. તાપમાન સિવાય કોચની કંડિશન, કમ્પ્રેશર બરોબર છે કે નહીં, એર કંડિશન સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેવી સમગ્ર જાણકારીનો ડેટા કોચમાં રહેતો હતો જે હવે અધિકારીઓના મોબાઈલ પર આવી જશે. આથી હવે જો આવા વાતાનુકૂલિત કોચનું તાપમાન 23-24 ડિગ્રી સુધી મેઈન્ટેન કરવામાં સફળતા મળેથી એ.સી. કોચમાં બ્લેન્કેટની જરૂરિયાત નહીં રહે. તેથી ચાદરથી કામ ચાલી શકશે. આથી કચ્છની જ ચાદર મળી જાય તો મુસાફરોને પોતીકાપણું લાગશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer