દીપડો ઘરઆંગણા સુધી પહોંચતાં ઝુરા કેમ્પમાં ફફડાટ

નિરોણા(તા.નખત્રાણા), તા..16 : પાવરપટીના ઝુરાથી દક્ષિણે ડુંગરાળ પંથકમાં આવેલી સોઢા વસાહત ઝુરા કેમ્પમાં છેલ્લા એકાદ માસથી અનેક અબોલા પશુઓને મોતને ઘાટ ઉતારી આતંકી બનેલા દીપડાએ હવે રહેણાંક વિસ્તાર સુધી પગપેસારો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પકડવા વન વિભાગે છેલ્લા વીસેક દિવસથી કરેલા પ્રયાસો નિષ્ફળ બનતાં ગામલોકોની ઊંઘ હરામ બની છે. ઝુરા કેમ્પની આસપાસનો વિશાળ ડુંગરાળ વિસ્તાર દીપડાનું ઘર ગણાય છે, ત્યાં હાલ ત્રણથી ચાર જેટલા દીપડાની મોજુદગી હોવાનું ગામ લોકો જણાવે છે. જે પૈકી એક નર દીપડા દ્વારા છેલ્લા એકાદ માસથી ચરિયાણ માટે વિચરતા પશુઓ પર ઘાત લગાવી હુમલો કરી મારણ કરવાની ઘટનાઓ વધી છે. અત્યાર સુધી અનેક ઘેટાં, બકરાં, વાછરડી, ભેંસ સહિતના પશુઓને આ રાની પશુ પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. છેલ્લા દસેક દિવસથી આ દીપડાએ શિકાર માટેનો આ વિસ્તાર વધારી પૂર્વે લોરિયા સુધીના સીમાડામાં પહોંચ્યો છે. એકાદ માસ પૂર્વે આ આતંકી દીપડાને પકડવા સરપંચ અને અગ્રણીઓએ વન વિભાગ પાસે કરેલી માગણી સ્વીકારવામાં આવી તો ખરી પણ આજ સુધી આ દીપડો પાંજરાની પકકડથી દૂર રહ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં આઠથી દસ જેટલા પશુઓને મોતને ઘાટ ઉતાર્યા પછી હવે આ દીપડો ગામના વસવાટ સુધી પહોંચ્યો છે. સરપંચ સુરતાજી સોઢાના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ઘેટાં-બકરાં જેવાં નાના પશુઓ કે કૂતરાના શિકાર માટે ઘરનાં આંગણા સુધી પહોંચે છે. મોડી રાત્રે શિકાર માટે ગામમાં ઘુસેલા દીપડાની જાણ થતાં કૂતરાએ દોડાદોડ કરી જોશભેર ભસવાનું શરૂ કરી લોકોને જગાડે છે. લોકોના હાકલા પડકારાથી દીપડો નાસી જાય છે. પણ ગમે ત્યારે એ લોકો પર પણ હુમલો કરી શકે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સરપંચના વધુમાં કહેવા પ્રમાણે આજે ગામમાં આવેલા વન વિભાગના કર્મચારીઓને દીપડાના વધી રહેલા હુમલા અંગે વાકેફ કરતાં જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરવા જણાવ્યું હતું. સરપંચના કહેવા મુજબ વન વિભાગના કર્મચારીઓ સાચી નિષ્ઠાથી દીપડાને પકડવાની કામગીરી કરે તો અવશ્ય તેને જબ્બે કરી શકાય છે. કેમ કે, અગાઉ પણ આ વિસ્તારમાં વન વિભાગે આતંકી દીપડાને પકડવામાં સફળતા સાંપડી છે.