વર્ષો પછી જાગેલી સોળ આની વર્ષની આશા ધૂળધાણી

વર્ષો પછી જાગેલી સોળ આની વર્ષની આશા ધૂળધાણી
નિરોણા (પાવરપટ્ટી), તા. 16 : છેલ્લા ત્રણેક વર્ષ અછત જેવા વિત્યા પછી મોડે મોડે મેઘો મહેરબાન થયો. દિવાળી અને રાત્રે નવાવર્ષની ઉમંગ ભેર ઉજવણી બાદ ખેતરોમાં કાપણીની તૈયારી આદરી ક્યાંક કાપણી પૂરી થઇ તો ક્યાંક પૂરજોશમાં ચાલુ અને તેવા જ ટાંકણે કમોસમી વરસાદે પાયમાલી સર્જી. એક-બે વાર નહીં દિવાળી બાદના એક પખવાડિયામાં ત્રણ-ત્રણ વાર માવઠાંએ લોકોની સોળ આની વર્ષની આશ પર પાણી ફેરી દેતાં સમગ્ર પાવરપટ્ટીમાં રામમોલ પર ભારે તારાજી સર્જી છે. પંથકના  પૂર્વે સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે જાગીર થાન સુધીનો મોટો વિસ્તાર ખાસ કરીને વરસાદ આધારીત ગણાય છે. આ વિસ્તારની જમીન ભારે ફળદ્રુપ હોઇ મેઘરાજાની મહેર વર્ષ તો રામમોલના ઉત્પાદનમાં સમગ્ર જિલ્લામાં અવ્વલ નંબરે રહે છે. સમગ્ર પંથકનો સીમાડો જુવાર, મગ, તલ, બાજરી, ગુવાર, એરંડા જેવા રામમોલથી હર્યો-ભર્યો બન્યો હતો. એટલું જ નહીં જ્યારે જ્યારે પિયતની જરૂર જણાઇ ત્યારે ત્યારે વરસાદ વરસતાં રામમોલની  વૃદ્ધિ જોઇ લોકો ભારે ખુશ હતા પંથકના સમગ્ર સીમાડામાં રામમોલ પાકી તૈયાર થવાની અણી પર પહોચતાં લોકો દાંતરડાંને સજ્જ ધજ્જ કરી કાપણીની તૈયારી કરી ત્યાં જ આકાશમાં ફરી કાળા-ભમ્મર વાદળ ઘેરાઇ ભારે ગાજવીજ અને વેગીલા વાયરા સાથે ત્રણ-ત્રણ વાર માવઠાના મારથી ચોમાસાના પાકો ભારે પાયમાલ બન્યા. ક્યાંક ગુવાર, મગ, મઠ જેવા પાકો કાપી પથારારૂપે પડયા હતા, તેના પર પાલર પાણી ફરી વળી તણાઇ ગયા અથવા તો પલળીને નષ્ટ બન્યા તો જુવાર, બાજરી, જેવા પાકેલા પાક પર પાણી પડતાં દાણા કાળા બની જતાં લોકોના મુખ સુધી પહોંચેલો કોળિયો છીનવાઇ ગયો હોય તેવો તાલ સમગ્ર પાવરપટ્ટીમાં   સર્જાયો છે. આ વિસ્તારના અગ્રણી ખેડૂત શિવજીભાઇ ભાનુશાલી કહે છે કે, ઝુરા ગામના મોટાભાગના સીમાડામાં રામમોલ અને વાડી વિસ્તારમાં કપાસના પાક પર માવઠાની માર પડતાં નષ્ટ બન્યો છે, જેમાં  બે દિવસ પહેલાં પડેલા વરસાદના પાણી ખેતરોમાં ભરાઇ જતાં કપાયેલા પાક તો ઠીક પાકેલા ઉભા પાક પર પણ ભારે અસર થઇ છે. વેડહાર (નિરોણા)ના સોઢા જીવણજીએ તો ઘાસચારાની આશાએ મગ, ગુવારની વાવણી તો કરી પણ કાપણી કર્યા બાદ કમોસમી વરસાદને લઇ બંને પાકના પાથરા પાણીમાં ડૂબી જતાં આ પાકનું ધાન તો જે આવે તે પણ પાકનો ચારો સદંતર નાશ પામતાં ભારે પરેશાન બન્યા છે. ઝુરાના શિક્ષક હરિસિંહ જાડેજા બાજરી, તલનું વાવેતર કર્યા બાદ તલની કાપણી કરી કોડીઓ બનાવી સૂકવવા રાખ્યા હતા અને બાજરીના ડૂંડા લણવાની તૈયારી આદરે એ સાથે પડેલા વરસાદથી બાજરીનો પાક કાળો પડી બગડી જતાં જોઇ કહે છે હરિ કરે સો હોઇ. લોરિયાના યુવા સરપંચ ભાણજીભાઇ ભાનુશાલીએ તો જિલ્લાના ખેતીવાડી અધિકારી પર પત્ર પાઠવી વહેલામાં વહેલી તકે પોતાના ગામના સીમાડામાં ખેડૂતોને  સાથે રાખી નુકસાનીનો  સર્વે કરવા માંગ કરી છે. સુમરાસર (શેખ)ના માજી સરપંચ ગોપાલભાઇ ફફલના જણાવ્યા મુજબ પંથકના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી સાથે પશુપાલનનો છે. વિસ્તારમાં પશુઓની સંખ્યા પણ મોટી હોઇ ખાસ કરીને લોરિયા, ચાંદ ફાર્મ, સુમરાસરના સીમાડામાં  ગુંધરી જુવારનું વાવેતર કરેલું. ચાલુ વર્ષે જુવારનો પાક પણ ભારે પવન અને કરા સાથે વરસાદે 8થી 10 ફૂટ ઊંચો જુવારનો પાક જમીન પર પડી પલળી જતાં માલધારીઓના ચહેરા પર ચિંતાની લકીરો તણાઇ છે. દરમ્યાન વરસાદ આધારીત પાકોના ઉત્પાદન માટે જાણીતા આ વિસ્તારમાં ચોમાસા પાકને થયેલા વ્યાપક અને ભારે નુકસાનીને લઇ ખેડૂતો ભારે દુ:ખી છે. વિસ્તારના રાજકારણ સાથે જોડાયેલા અગ્રણીઓના જણાવ્યા મુજબ સારા વરસાદને પગલે લોકો ભારે આર્થિક ભીંસ વચ્ચે પણ દર-દાગીના ગીરવી રાખી વાવણી કર્યા પછી માવઠાંને લઇ ચોમાસા પાકના ઉત્પાદન પર મોટો ફટકો પડયો છે. રાજ્ય સરકાર પણ અસરગ્રસ્ત ખેડૂતોને સધિયારો આપવા આગળ   આવી  છે ત્યારે જિલ્લાના ખેતીવાડી વિભાગ પંથકમાં વહેલામાં વહેલી તકે સર્વે કરાવે તેવી માંગ ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer