ખેડૂતોની મહેનત પર કરાએ ભારે વિનાશ વેર્યો

ખેડૂતોની મહેનત પર કરાએ ભારે વિનાશ વેર્યો
ભુજ, તા. 16 : બે દિવસ દરમ્યાન કચ્છના વિવિધ વિસ્તારમાં કરા રૂપી થયેલા માવઠાના કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. માંડ-માંડ મોઢા સુધી આવેલા કોળીયો જાણે ઝૂંટવાઇ ગયો હોય તેવો વસવસો વ્યક્ત કરાયો હતો. અનેક કિસાનોએ પોતાની વ્યથા ઠાલવી હતી. કોટડા (ચકાર) પંથકના ગામોમાં તૈયાર મગફળી હજી ખેતરોમાં સૂકવવા પડી હતી તેને છેલ્લા અઠવાડિયાથી પલાળી દીધી. કિંમતી ચારો સડી ગયો, મગફળી કાળી પડી ગઇ, દાણા ફળીમાં જ ઉગે છે તેવી હાલત મગફળીની કરી દીધી છે. હવે ખેતરોમાં મગફળીના પથારા ત્રણસો રૂપિયાથી મજૂરીએ આવતા મજૂરો રોજ ઉથલાવે છે. પણ  વરસાદ સૂકવવા દેતો નથી તેવું ખેડૂતોએ કહ્યું હતું. તેવી જ રીતે ખેતર વાડીઓમાં કપાસનો પાક તૈયાર છે. ખેડૂતો તેની વીણી માટે તૈયારી કરતા હતા પણ સતત વરસાદે કપાસને છોડમાં જ પલાળી દેતા તે પણ કાળો પડી રહ્યો છે. કપાસ ખેડૂતોની જીવાદોરી સમાન પાક છે પણ કુદરતે તેમને ભારે નુકસાની પહોંચાડી હોવાનું બંદરા પંથકના ખેડૂતો જેઓ મોટી ખેતી કરે છે તેવા માજી સરપંચ સજુભા જાડેજા રાસુભા ગજુભા, સરપંચ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ બટુકસિંહ જાડેજા આ પંથકમાં કરોડોની નુકસાની થઇ હોવાનું કહે છે. સરકારે પીયત ખેડૂતોને હેકટર દીઠ તેર હજાર અને કપીત ખેતીના સાડા આઠ હજાર જાહેર કર્યા છે પણ આ તો બિયારણ માટે પણ માંડ થાય. એરંડાના પાકમાં પણ સતત વરસાદથી ખતરનાક દિવસે ન વધે તેવી રાતે વધે તેવી ઇયળને દેખો ત્યાં દવા છાંટો નહીં તો તમામ પાક સફાચટ કરી દે તેવીને કાબૂમાં લેવા તાત્કાલિક દવા છાંટવી પડે છે. ખેડૂતો કહે છે કે અગાઉ એરંડામાં બે મહિનાના છોડમાં ઇયળ આવતી પણ હંમણા એરંડાની માળ તૈયાર છે ને આ ગડર આવી છે તે વરસો પછી આવ્યાનું નાના બંદરાના ખેડૂત જટુભા જાડેજાએ જણાવ્યું હતું. ખેડૂતોને ડબલ નહીં પણ ત્રણ ગણી મોંઘી મજૂરી ખેત મજૂરોને ચૂકવવી પડે છે. મગફળી, કપાસ, એરંડાના પાકની વરસાદે ખાના ખરાબી કરી દેતાં આ વરસે ભલે વરસાદ શ્રીકાર થયો પણ ખેડૂતોને આર્થિક પાયમાલ કરી દીધા છે. સરકાર હવે ખેડૂતોને કેવી સહાય કરશે અને કયારે સર્વે કરશે તેના પર આધાર છે એવું વાગુરાના માજી સરપંચ રાઘુભાઇ આહીરે કહ્યું હતું. આસપાસના કણજરા, ભાલોટ, લફરા, ફાચરીયા સહિતના કિસાનોની અવદશા થઇ છે. ચોબારી વિસ્તારના નેર, બંધડી, કડોલ વિસ્તારમાં કમોસમી વરસાદમાં કરા પડયાનાં કારણે રણકાંધીના ગામોમાં માવઠાની માઠી અસર વર્તાઇ છે. છેલ્લા કેટલાક સમયથી એરંડાના પાક પર લશ્કરી ઇયળોના આક્રમણને કારણે આખાય ચોબારી પંથકમાં ખેતી પાકને ભારે નુકસાન    થયું છે. ચોમાસું તો નિષ્ફળ જવા પામ્યું છે, તેવામાં ખેડૂતોએ એરંડાના પાક પર પસંદગી ઉતારી હતી જેને ઇયળો થકી નુકસાન થતા ખેડૂતોએ મોંઘી દવાનો છંટકાવ કરી નિયંત્રણ લાવવા મથામણ કરે છે. તેવામાં કુદરતના કેર સમાન કરાના વરસાદે સમગ્ર પાકને તહસનહસ કરી નાખતા ખેડૂતોને પડયા પર પાટું મારવા જેવો તાલ સર્જાયો છે. આથી સરકારી તંત્ર સત્વરે સર્વે કરીને ખેડૂતોને ખેતી પાકનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે. ખાવડા વિસ્તારના રતડિયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામો રતડીયા, નાના બાંધા, નવાવાસ, નાના બાંધા જૂનાવાસ, ઝહીરવાસ, રોહા તડ મોટી, રોહાતડ નાની, પૈયા મોટા, પૈયા નાના, સીમરીવાંઢ, કૃષ્ણનગર, આશાપર તેમજ ધોરાવર, જૂથ પંચાયત હેઠળ રબવીરી ગામ સહિત પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં થયેલી હિમવર્ષાના કારણે ખેતરોમાં ઉભેલા પાક તેમજ પશુધન માટે સંપૂર્ણ પાક નષ્ટ થયા છે જેનો સર્વે કરાવી વળતર ચૂકવવા રતડીયાના સરપંચ કરીમાબાઇ સમાએ કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer