આહીરપટ્ટીના ખેડૂતોની જિલ્લાકક્ષાએ ધા, ખાસ કિસ્સામાં વળતરની માંગ

આહીરપટ્ટીના ખેડૂતોની જિલ્લાકક્ષાએ ધા, ખાસ કિસ્સામાં વળતરની માંગ
રાયધણપર (તા. ભુજ), તા.16 : તાલુકાની આહીરપટ્ટીના ગામોમાં ગત ગુરુવારે કમોસમી વરસાદની સાથે પડેલા કરાથી ખેતી પાકને વ્યાપક નુકસાન સાથે મોટું નુકસાન થતાં મોટી સંખ્યામાં ખેડૂતો શનિવારે ભુજ ખાતે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ખાસ કિસ્સામાં વળતરની માંગ કરી હતી. લેખિત રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત થઈ હતી અને એરંડા-કપાસ-જુવારનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હોવાથી તાત્કાલિક વળતર મંજૂર થાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી. રાયધણપર, ગળપાદર, ત્રંબો, નાના વરનોરા, મોટા વરનોરા, ઝીંકડી, હબાય, ચપરેડી, અટલનગર, કાલી તલાવડી, સરસપર, નાગોરના ગ્રામજનો, સરપંચો, અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા પંચાયતના સભ્ય હરિ પાંચા ગાગલ, રાયધણપર સરપંચ ભરતભાઈ કાતરિયા, રાયધણપર જૂથ ગ્રા. પં.ના માજી સરપંચ અરજણભાઈ કોઠીવાર, ઝીંકડી સરપંચ વાલજીભાઈ બતા, રાયધણપર અગ્રણી કરશનભાઈ આહીર, ચપરેડી સરપંચ દામજીભાઈ ગાગલ, કિસાન સંઘ અગ્રણી ભીમજીભાઈ કેરાસિયા, નાના વરનોરા સરપંચ કરીમ ભચુ મમણ વગેરે રજૂઆતમાં જોડાયા હતા. જોકે આ રજૂઆતને સરકાર-તંત્ર ધ્યાને નહીં લે તો ધરણા ઉપર ઊતરવાની પણ ચીમકી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer