તેરા મુલાકાતે પહોંચેલા કલેક્ટર સમક્ષ તબીબની ખાલી જગ્યાનો મુદ્દો મુકાયો

તેરા મુલાકાતે પહોંચેલા કલેક્ટર સમક્ષ તબીબની ખાલી જગ્યાનો મુદ્દો મુકાયો
નલિયા, તા. 16 : અબડાસાના હેરિટેજ વિલેજ એવા તેરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને મુલાકાત લીધી હતી. જિ.પં. સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ ન હોવાની ગ્રામજનોએ રૂબરૂ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેરા અને આસપાસના ગામોમાં તાવે મોટાપાયે ભરડો લીધો?છે. ગામમાં ઘેર ઘેર તાવના ખાટલા મંડાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ ન હોવાથી લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરતો લાભ મળતો નથી. પી.એચ.સી.માં ડોક્ટર હોય ત્યારે પણ બપોર પછી બંધ રહે છે. મોટાભાગના કર્મચારીઓ બહારના હોવાથી બપોરે આરોગ્ય સેવાનો લાભ મળતો નથી. તેરા પ્રા.આ. કેન્દ્ર આસપાસના 22 ગામો સાથે સંકળાયેલું છે. ભૂતકાળમાં તેરા ગામને બીમારીએ મોટાપાયે ભરડામાં લીધું હતું. ડેંગ્યુના કારણે બે મોત થયા હતા. તત્કાલીન સમયે આરોગ્ય તંત્ર?સક્રિય બની રોગચાળાને કાબૂમાં લીધો હતો, પણ હવે કોઇ દાદ દેતું નથી. ચાલુ વરસે રોગચાળો અટકાવવા ઝુંબેશના ભાગરૂપે આરોગ્યતંત્ર સક્રિય થાય તો રોગચાળો કંટ્રોલમાં આવે. ગામલોકોએ જિલ્લા કલેક્ટર પાસે ડેંગ્યુ તાવનું ટેસ્ટીંગ આરોગ્ય કેન્દ્રમાં થાય તેવી પણ રજૂઆત કરી હતી. પ્રતિનિધિમંડળમાં માજી સરપંચ આદમભાઇ લોધરા, ઉપસરપંચ જાફર આચાર કોલી, વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંત ગોર, મહેશભાઇ ભાનુશાલી વગેરે જોડાયા હતા. જિલ્લા કલેક્ટરે તેરા પી.એચ.સી.નો મુદ્દો સંકલનમાં પણ લેવામાં આવશે તેવું જણાવી મુશ્કેલી હળવી થાય તે માટે ખાતરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer