સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં મુશ્કેલીઓ

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં મુશ્કેલીઓ
ભુજ, તા. 16 : ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગોની સામાજિક જવાબદારીને લગતા એક પરસ્પર ચર્ચા સત્રનું આયોજન ભુજમાં કરવામાં આવ્યું હતું. અસરકારક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં જે મુશ્કેલીઓનો સામનો કંપનીઓ તથા પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગને કરવો પડે છે તેને જાણવા અને તેને પારસ્પરિક ચર્ચા દ્વારા કઇ રીતે નિવારી શકાય તે માટે ચર્ચા થઇ હતી. સત્રમાં સી.એસ.આર. એક્ટ અને વિષય ઉપર પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના તુષાર ત્યાગીએ આપી હતી. વિશાલ મિશ્રા અને રૂસીન પટેલ (એગ્રોસેલ-સોલારીસ)એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, તેમની કંપની દ્વારા ધોરડો ગ્રામ પંચાયતના 3 પ્લોટ કે જે 677 એકરમાં છે તેમાં ઘાસ ઉગાડવામાં આવશે અને આ માટે જે કંઇ નિભાવ ખર્ચ જેવા કે ફેન્સિંગ, ચોકીદારનો પગાર એગ્રોસેલ દ્વારા આપવામાં આવશે અને આવતા ઉનાળામાં ઘાસનું રાહતદરે પશુપાલકોને વિતરણ કરવામાં આવશે તેમાંથી જ આવક થશે તે ગ્રામ પંચાયત કમિટી પાસે રહેશે અને પછીના વર્ષ માટે ઘાસ ઉગાડવાના ખર્ચ માટે વપરાશે. આ સાઇકલ દર વર્ષે ચાલુ રહેશે. એગ્રોસેલની બીજી યોજના `કચ્છ પ્રબુધ' છે જેમાં ધોરડો વિસ્તારની 25 શાળાઓમાં ડિજિટલ એનિમેશન, પ્રાથમિક સારવાર તથા પેન્ટિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેમને ભણાવવામાં આવશે. `એગ્રોસેલ ટોય એક્સપ્રેસ' નામથી નવી સી.એસ.આર. પ્રવૃત્તિ આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે. જેમાં કલરફુલ વાન કે જેમાં અલગ અલગ જાતની ઇન્ડોર તેમજ આઉટડોર રમતો હશે અને આ વાન    અઠવાડિયામાં એકવાર એક સ્કૂલમાં જશે અને અડધો દિવસ તે સ્કૂલના બાળકોને આવી રમતો કે જે જ્ઞાન સાથેની રમતો હશે એ રમાડવામાં આવશે. તેનાથી શાળામાં બાળકોની સંખ્યા વધશે અને બાળકોની હાજરી અને નિયમિતતા પણ વધતી જશે. બાળકોને સ્કૂલમાં આવવાનો રસ પડશે અને આમ તે વિસ્તારના બાળકો વધુ સંખ્યામાં ભણશે. બેઠકમાં સી.જી.પી.એલ. (તાતા પાવર), અદાણી ફાઉન્ડેશન, આશાપુરા ફાઉન્ડેશન, પારલે, એગ્રોસેલ, સોલારીસ, જિન્દાલ સો, આર્ચિયન, સુઝલોન વિગેરે કંપનીઓ તથા કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા હાલમાં થતી પ્રવૃત્તિઓની માહિતી અપાઈ હતી અને ભવિષ્યમાં કંપની દ્વારા હાથ પર લેવાના પ્રોજેક્ટોની ચર્ચા ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના એક્ઝિક્યુટીવ શ્રી ત્યાગી સાથે કરી હતી. સરકારી સાહસો જેવા કે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને ઇફકોના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. પ્રારંભે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ દ્વારા ફોકિયા વતી સ્વાગત થયું હતું. હેતુ ફોકિયાના મેનેજર મેહુલ જોશીએ સમજાવ્યો હતો. આભારવિધિ સી.જી.પી.એલ.ના પ્રદીપ ઘોષાલ દ્વારા કરવામાં આવી હતી. જિગર મકવાણા, સાવન કસુંન્દ્રા અને ભરત બારોટે ફોકિયા વતી સેમિનારની વ્યવસ્થા સંભાળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer