પશુપાલન વિભાગ માટે રૂા. 13 હજાર કરોડની જોગવાઇ

પશુપાલન વિભાગ માટે રૂા. 13 હજાર કરોડની જોગવાઇ
ભુજ, તા. 16 : રાજ્ય સરકાર પશુપાલન ક્ષેત્રના અવિરત વિકાસ માટે કટિબદ્ધ છે. પશુ-સંવર્ધન કાર્યો માટે રૂા. 47 કરોડની જોગવાઇ કરાઇ?છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કૃષિ અને પશુપાલન વિભાગમાંથી પશુપાલન વિભાગને સ્વતંત્ર કરીને રૂા. 13000 કરોડની જોગવાઇ કરી છે. તેવું આજે હોડકોમાં 12મા બન્ની પશુમેળાને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન સહિત સહજીવન સંસ્થાના સહયોગથી મુખ્યત્વે માલધારીઓની આજીવિકા ટકાવવા, ઘાસિયા ભૂમિના સંરક્ષણ માટે બન્નીની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાના આદાન-પ્રદાન હેતુ બે દિવસીય પશુમેળાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં સામાજિક શૈક્ષણિક પછાતવર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી આહીરે આઝાદી પછી પ્રથમ વખત ભેંસની બન્ની ઓલાદને  ભારતની ભેંસોની 11મી ઓલાદ તરીકે તેમજ કચ્છના ખારાઇ ઊંટને પણ ઊંટની અલગ ઓલાદ તરીકેની તેમજ કચ્છી-સિંધી અશ્વોને  અશ્વની અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા મળી છે. આધુનિક ટેકનોલોજીના સમન્વય થકી પશુપાલન વિકાસ માટે સરકારની કટિબદ્ધતા દોહરાવતાં તેમણે પશુઓની કરાતી સારસંભાળના પરિણામે પશુઓમાં થતાં 159 પ્રકારના રોગો હવે ઘટીને માત્ર 24 રહ્યા છે. પશુપાલનની સાથે ડેરી વિકાસ, માદા જન્મનું પ્રમાણ વધારવાના પ્રયાસો સહિત પશુપાલન વિકાસ માટે આમૂલ પરિવર્તનના પગલાં ભરાઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ બન્નીમાં પશુપાલન મોટો વ્યવસાય છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માલધારી સુધી યોજનાકીય લાભો પહોંચાડી મદદરૂપ પુરવાર થવાયું છે. જેના પરિણામે ડેરીના વિકાસ સાથે દૂધના વ્યવસાય થકી રોજગારીની વિપુલ તકો પણ ઊભી થઇ છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પશુપાલનના પરંપરાગત વ્યવસાયમાં કચ્છ અને બન્ની પારંગત છે. કચ્છનું પશુપાલન ઉત્તમ છે ત્યારે વેપારી ધોરણે ટકી રહેવા દૂધ ઉત્પાદન વધારવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે રાજ્ય સરકારના પશુપાલન વિકાસના સુંદર પરિણામો જોવા મળી રહ્યા છે. તેમજ પશુમેળાના આયોજન થકી માલધારીઓમાં જાગૃતિ આવી હોવાનું પણ જણાવ્યું હતું. રાજ્યના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકર, મદદનીશ કલેક્ટર મનીષ ગુરગવાણી તેમજ સેવાનિવૃત્ત પૂર્વ નિયામક કાછિયાભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. રાજ્યમંત્રી વાસણભાઇના હસ્તે બન્નીના ઘાસ ઉપર ડો. પંકજભાઇ જોષીની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. કલાધર મુતવાએ પ્રશસ્તીપત્રનું વાંચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સાલેમામદ ફકીર મામદે સ્વાગત કર્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ હરિશભાઇ ભંડેરી, હઠુભા જાડેજા, ધોરડો સરપંચ મિયાંહુસેન મુતવા, મીરખાન મુતવા, આદમભાઇ ચાકી, તૈયબભાઇ સમા, ભીમાભાઇ રબારી, માહી ડેરીના યોગેશ પટેલ, સંજય પવાણી, પશુપાલન વિભાગના શ્રી પ્રજાપતિ, ડો. લાખાણી સહિત આગેવાનો અને અધિકારીઓ તેમજ માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન હોડકોના પૂર્વ સરપંચ સલામભાઇએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer