માનકૂવા પાસે છકડો રિક્ષાને કારની ટક્કર થકી બાઉખાના યુવાનનું મોત

માનકૂવા પાસે છકડો રિક્ષાને કારની ટક્કર થકી બાઉખાના યુવાનનું મોત
ભુજ, તા. 16 : તાલુકામાં માનકૂવા અને ડાકડાઇ વચ્ચેના માર્ગ ઉપર ઊભેલી છકડો રિક્ષાને કારની ટક્કર લાગતાં સર્જાયેલા અકસ્માતમાં તાલુકાના બાઉખા ગામના હારૂન ઇશા સમા (ઉ.વ. 26) નામના યુવાનનો જીવનદીપ બુઝાયો હતો. તો બીજીબાજુ માંડવી તાલુકામાં દેવપર (ગઢ) ગામના વાડી વિસ્તારમાં અકસ્માતે પડી જવાથી માથામાં થયેલી ઇજા સવિતાબેન ચંદુભાઇ રાઠવા (ઉ.વ.54) માટે જીવલેણ બની હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ માનકૂવા અને ડાકડાઇ વચ્ચે આજે સવારે આઠેક વાગ્યાના સુમારે ઊભેલી છકડો રિક્ષા સાથે પાછળથી આવી રહેલી જી.જે.01-આર.જે.-6996 નંબરની કાર અથડાતાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં છકડાની બાજુમાં ઊભેલા બાઉખાના હારૂન સમાને અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. જે સારવાર નસીબ થાય તે પહેલાં જ તેના માટે જીવલેણ સાબિત થઇ હતી. માનકૂવા પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાયદાકીય તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ દેવપર (ગઢ) ગામના વાડી વિસ્તારમાં આદિવાસી ખેતમજૂર પરિવારની મહિલા સવિતાબેન રાઠવાના અપમૃત્યુની ઘટના ગઢશીશા પોલીસ મથકના દફતરે નોંધાઇ હતી. પોલીસ સાધનોએ આ વિશે આપેલી જાણકારી મુજબ આ પ્રૌઢ મહિલા ગઇકાલે શુક્રવારે સવારે અચાનક ચક્કર આવવા થકી પડી ગઇ હતી. તેને માથામાં ઇજા થઇ હતી. ગઢશીશાથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલમાં ગતરાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ બાબતે અકસ્માત મોત નોંધી છાનબીન હાથ ધરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer