ભારતનો એક દાવ, 130 રનથી પ્રભાવશાળી વિજય

ઇંદોર, તા. 16 : માત્ર ત્રણ દિવસમાં જ ખેલ ખતમ કરી નાખતાં બેટિંગ તેમજ બોલિંગના બંને મોરચે બળૂકી રમત બતાવનાર ટીમ ઇન્ડિયાએ શનિવારે પ્રવાસી બાંગ્લાદેશને એક દાવ અને 130 રનથી કારમી હાર આપી હતી. બેવડી સદી સાથે ડોન બ્રેડમેનનો વિક્રમ તોડનાર મયંક અગ્રવાલ તેમજ બંને દાવમાં મળીને કુલ્લ સાત વિકેટ ખેરવતાં બાંગ્લાદેશી બેટધરોને બાંધી રાખનાર મોહમ્મદ શમી આ પ્રભાવશાળી વિજયના મુખ્ય નાયક બન્યા હતા. આ જીત સાથે ભારતે 1-0ની સરસાઇ મેળવી લીધી છે. વિરાટ કોહલીના વડપણ હેઠળ ભારતે વિપક્ષી ટીમને આખેઆખા એક દાવથી હરાવી હોય તેવો આજે 10મો પ્રસંગ બન્યો હતો. ઇંદોર ટેસ્ટના પ્રારંભે પહેલાં મેદાન પર ઊતરેલી પ્રવાસી ટીમ પહેલા દાવમાં માત્ર 150 રનમાં સમેટાઇ ગઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમે મયંકની બેવડી સદીના બળે છ?વિકેટે 493 રનનો પડકારરૂપ સ્કોર ખડકીને દાવ ડિક્લેર કર્યો હતો. બાંગ્લાદેશે મોટી હારથી બચવા 343 રન કરવાના હતા પરંતુ બીજા દાવમાંયે ઝળકેલા શમીએ ચાર વિકેટ?ખેરવીને બેટધરોને પેવેલિયનની વાટ બતાવતાં બીજા દાવમાં પણ બાંગ્લાદેશનું 213 રને ફિડલું વળી ગયું હતું. બંને ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો માત્ર?એક દાવ જ રમનાર ભારતીય ટીમના મયંક ઉપરાંત ચેતેશ્વર પૂજારા (54), અજિંક્ય રહાણે?(86) અને રવીન્દ્ર જાડેજા (અણનમ 60) એમ કુલ્લ ચાર ખેલાડીએ અર્ધસદી કરી હતી. બીજીતરફ બાંગ્લાદેશ તરફથી પહેલા દાવમાં કોઇ જ ખેલાડી અર્ધસદી કરી શક્યો નહોતો. બીજા દાવમાં એકમાત્ર મુશરફીકુર રહિમ (65)એ ફિફ્ટી કરી હતી. પ્રવાસી બાંગ્લાદેશ તરફથી પ્રથમ દાવમાં 37 રન કરનાર સુકાની મોમિનુલ હક બીજા દાવમાં માત્ર સાત રને વિકેટ ખોઇ?બેઠો હતો. ટીમ ઇન્ડિયા વતી મોહમ્મદ શમીએ 16 ઓવરમાં માત્ર 31 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. અશ્વિને ત્રણ, જાડેજા અને ઉમેશ યાદવ બે-બે, ઇશાંત શર્માએ એક વિકેટ?ઝડપી હતી. આમ, સહિયારા બોલિંગ આક્રમણ સામે બેટધરો ઘૂંટણિયે પડી જતાં બાંગ્લાદેશી ટીમ બીજા દાવમાં નિર્ધારિત લક્ષ્યથી 130 રન દૂર રહી હતી. ટીમ ઇન્ડિયાએ ટી-20 શ્રેણીમાં પણ 2-1થી હરાવ્યા બાદ ટેસ્ટમાં 1-0ની સરસાઇ?મેળવીને બાંગ્લાદેશ પર દબાણ વધારી નાખ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer