ડીડીસીએના અધ્યક્ષ પદેથી રજત શર્માનું રાજીનામું

નવી દિલ્હી, તા. 16 : વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ શનિવારે ડીડીસીએ (દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. શર્માએ રાજીનામાનું કારણ સંસ્થા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને દબાણના  પદ ઉપર યથાવત્ રહેવામાં અસમર્થતાને ગણાવી હતી. શર્માનો 20 મહિનાનો કાર્યકાળ ઉતાર ચડાવ ભર્યો રહ્યો હતો. આ દરમિયાન રજત શર્મા અને મહાસચિવ વિનોદ તિહાડા વચ્ચેના મતભેદ સાર્વજનિક થયા હતા. તિહાડાને સંગઠનમાં સારું સમર્થન છે. શર્માએ પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, અહીંયા ક્રિકેટ  પ્રશાસન દરરોજ ખેંચતાણ અને દબાણ ભર્યું હોય છે અને ખેંચતાણ ક્રિકેટનાં હિતના વિરોધમાં સક્રિય છે. રજત શર્માએ ઉમેર્યું હતું કે, એવું લાગી રહ્યંy છે કે ડીડીસીએમાં નિષ્ઠા, ઈમાનદારી અને પારદર્શિતાના સિદ્ધાંતો સાથે ચાલવું સંભવ નથી અને આ સિદ્ધાંતો સાથે સમજૂતી સંભવ નથી. શર્માના રાજીનામાના અમુક કલાક પછી સીઈઓ રવિ ચોપડાએ પણ રાજીનામું આપ્યું હતું. ક્રિકટ સલાહકાર સમિતિના અન્ય બે સભ્ય સુનીલ વાલ્સન અને યશપાલ શર્માએ પણ પોતાના પદનો ત્યાગ કર્યો હતો. રજત શર્મા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનાં સમર્થન બાદ ડીડીસીએ સાથે જોડાયા હતા પરંતુ જેટલીનું નિધન થયા બાદ રજત શર્મા નબળા પડી ગયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer