દેશમાં કોચની અછત ખતમ

ભદ્રેશ ડુડિયા દ્વારા-  ભુજ, તા. 16 : `ગતિ હૈ તો પ્રગતિ હૈ, રેલ સે હી તો દેશકી પ્રગતિ હૈ...' ઘણા લાંબા સમયથી ભારતીય રેલવેને કોચની અછતનો પ્રશ્ન સતાવતો હતો તે હવે નાબૂદ થઈ ચૂક્યો છે અને આથી દેશમાં પ્રથમ વાર કોચની અછત ખતમ થઈ ચૂકી હોવાનું `કચ્છમિત્ર'ને હર્ષભેર નવી દિલ્હીથી આવેલા રેલવે બોર્ડ રોલિંગ સ્ટોકના સભ્ય રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું. ગત વર્ષે નિર્ણય લઈ જૂના આઈપીએફ ટાઈપના કોચ બનાવાના બંધ કરી દીધા હતા. હવે ફક્ત એલએચબી ટાઈપના જ કોચ બનાવી રહ્યા છીએ. તેવું શ્રી અગ્રવાલે જણાવી કહ્યું કે, એલએચબી કોચ વીસ વર્ષ પહેલાં આવી ચૂક્યા હતા પરંતુ કોઈ કારણસર ત્યારે તૈયાર નહોતા કર્યા. પરંતુ આ વર્ષથી 100 ટકા બનાવવાના શરૂ કરી દીધા છે. જૂના કોચ વર્ષમાં ચાર હજાર બનતા હતા. ગત વર્ષે છ હજાર બનાવ્યા અને ચાલુ વર્ષે નવા આઠ હજાર કોચ બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આથી દેશમાં પ્રથમવાર કોચની અછત ખતમ થઈ ચૂકી છે. આટલા વર્ષો કોચની અછતનો સામનો રેલવે કરી રહી હતી. તે પ્રશ્ન હવે પૂરો થઈ ગયો છે. આ વર્ષે બસ્સોથી વધુ ડબ્બા એલએચબી આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેમાં પણ ઝડપભેર બદલાવ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીધામમાં એક એલએચબી રેક આવી ચૂકી છે. આ નવા કોચ આવશે તેની સાથોસાથ જૂના કોચ પણ તેની સમયમર્યાદા મુજબ ચાલુ જ રહેશે, પરંતુ તેને પણ ઉત્કૃષ્ટ બનાવવાનું  આયોજન છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer