રેલવે પાર્સલ સેવાના કર્મચારીને જી. આર.પી. જવાનોએ માર મારતાં રોષ

ગાંધીધામ, તા. 16 : ટ્રેનોમાં પ્રવાસીઓની સુરક્ષા કરવાની જવાબદારી જેમના શીરે છે તેવા ગાંધીધામ રેલવે પોલીસના એક જવાન અને  એક  રેલવેના કર્મચારીએ ફરજ ઉપર  રહેલા અન્ય કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. આ મામલે ભોગ બનનાર કર્મચારીએ ક્ષેત્રિય પ્રબંધકને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. એરિયા રેલવે મેનેજરને પાઠવેલા પત્રમાં પાર્સલ વિભાગમાં ફરજ બજાવતા  સંદીપ શર્માએ જીઆરપીના કર્મચારી રાજુ અને કંડલામાં ગુડસ કલાર્ક તરીકે ફરજ બજાવતા ભીમસિંહ શેખાવતે ચાલુ ફરજ દરમ્યાન માથામાં લાકડીઓ વડે માર માર્યો હોવાનું જણાવ્યું છે. જીઆરપીના કર્મચારી સાથે ગત રાત્રિના 11 વાગ્યે બુકિંગ માટે એક ભાઈ આવ્યા હતા. બુકિંગ બંધ થયું હોવાનું જણાવી આવતીકાલે આવવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ અપશબ્દો કહ્યા હતા. બાદમાં રેલવે કર્મચારી સયાજીનગરી એકસપ્રેસમાં પાર્સલ લોડ કરાવતા હતા ત્યારે રાજુ અને ભીમસિંહે લાકડી વડે હુમલો કર્યો હતો. અને સ્ટેશનની બહાર નીકળ પતાવી નાખશું તેવી ધમકી આપી હોવાનું પણ પત્રમાં જણાવાયું છે. બાદમાં રાત્રિના 1.30 વાગ્યે શ્યામ નામના જીઆરપી કર્મચારીએ પણ નશામાં દ્યૂત થઈ માર મારવાની ધમકી આપી હતી.  સ્ટેશન પરિસરમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરીના બનાવથી રેલવે કર્મચારીઓમાં ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવને વેસ્ટર્ન રેલવે એમ્પલોયઝ યુનિયને સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો. રેલ પરિસરમાં આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસન કડક પગલાં લે તેવું યુનિયનના મંડલ મંત્રી એચ.એસ.પાલે જણાવ્યું હતું. આ ઘટના અંગે અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું સંજય સૂર્યબલીએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer