કચ્છમાં ``કાગળ પર સક્રિય'''' સેવાકીય ટ્રસ્ટોનો રાફડો ફાટયો

હેમાંગ પટ્ટણી દ્વારા- ભુજ, તા. 16 : છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં સેવાકીય સંસ્થા અને ટ્રસ્ટો બનાવવાનો કચ્છમાં રીતસરનો રાફડો ફાટયો હોય તેમ કાગળ પર અસ્તિત્વ ધરાવતી સંસ્થા અને ટ્રસ્ટોની સંખ્યામાં ઉત્તરાત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. બહુમાળી ભવન ખાતે કાર્યરત નાયબ ચેરિટી કમિશનર કચેરીમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2016થી 31 ઓકટોબર 2019ના અઢી વર્ષના સમયગાળામાં કચ્છમાં સરકારી ચોપડે 1271 જેટલા નવા ટ્રસ્ટો નોંધાયા છે. મહત્ત્વની બાબત એ છે કે, આ જ સમયગાળામાં કચ્છમાં અર્ધ અછત અને અછતની સ્થિતિ હતી. આ સમયે આવા ટ્રસ્ટોની નોંધણી કરાવી સેવા કરતાં-કરતાં મેવા મેળવવાની હોડ જોવા મળી હોવાનું આ આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે. અછત સમયે સરકારની માર્ગદર્શિકા અનુસાર ઢોરવાડો શરૂ કરનારી સંસ્થા રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોવાને ફરજિયાત બનાવાયું હતું. દુષ્કાળના કપરા કાળ સમયે કેટલ કેમ્પ શરૂ કરી સરકારી સહાય પેટેની પશુ સબસિડી ઊપરાંત દાતાઓ તરફથી મળતા અનુદાનને અંકે કરી લેવા માટે દુષ્કાળના આ સમયગાળા દરમિયાન નાયબ ચેરિટી  કમિશનરની કચેરીએ નવા ટ્રસ્ટની નોંધણીમાં ભારે ઉછાળો આવેલો  જોવા મળ્યો છે. 1271 નવા ટ્રસ્ટ નોંધાવવા સાથે કુલ નોંધાયેલા ટ્રસ્ટોની સંખ્યા હવે 9000ને પાર થઈ ગઈ છે. આ 9000 ટ્રસ્ટોમાંથી 60થી 70 ટકા ટ્રસ્ટ અને સંસ્થા એવી છે કે જે માત્ર ને માત્ર કાગળ પર જ સક્રિય છે. આ કારણે જવાબદાર તંત્રને તો આવી સંસ્થાઓની ફાઈલો સાચવી રાખવી પડે છે. સૂત્રોમાંથી તો એવી વાતે સાંભળવા મળી રહી છે કે, કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી આવી સંસ્થાઓ પર રાજ્ય સરકારનાં અમુક મોટાં માથાઓના ચાર હાથ હોતાં કયાંક ને કયાંક રાજકીય હસ્તક્ષેપ પણ થતો નથી કાં તો એ જ છે ! જે ટ્રસ્ટો નોંધાય તેના સેવાકીય ઉદ્દેશો અને અન્ય બાબતો અંગે જો ઉચ્ચ સ્તરથીઆકસ્મિક તપાસ કરવામાં આવે તો આવી કાગળ પર સક્રિય સંસ્થાઓના ચાલતા કાર્યની પોલ પાધરી થાય તેમ છે. આ ટ્રસ્ટો પૈકી હાલ રોગચાળો સક્રિય છે ત્યારે સેવાક્ષેત્રમાં  આગળ આવે કે માવઠાના મારના સત્તાવાર સર્વેમાં સરકારી તંત્રને  મદદ કરે તો કર્મચારીઓ-અધિકારીઓની અધૂરાશનો મુદ્દો પણ દૂર થાય અને જે કામ ઝડપથી થવા યોગ્ય છે તે પણ થાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer