કચ્છની તમામ ખાનગી લેબોરેટરીમાં સીબીસી મફત

ભુજ, તા. 16 : ડેંગ્યુ અને તાવની બીમારીમાં ભલે ઘટાડો થયો હોય પણ દર્દીઓને પડતી મુશ્કેલી નિવારવા સરકાર દ્વારા કોશિશો જારી છે. કચ્છની 57 ખાનગી લેબોરેટરી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ગોઠવેલા આયોજન મુજબ સરકારી હોસ્પિટલમાં લેબની સુવિધા નહીં હોય ત્યાંના ડોક્ટર સહી-સિક્કા સાથે દર્દીને ચિઠ્ઠી લખી આપશે. તેમના સીબીસી ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં મફત કરી આપવાનું શરૂ કરાયું છે. સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નર અને તેમના હસ્તકની તાલુકા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા ખાનગી લેબોરેટરીઓ સાથે થયેલા મૌખિક કરાર મુજબ પરીક્ષણ દીઠ થતો ખર્ચ નિયત થશે તે સરકાર ચૂકવશે. આમ દર્દીઓને લેબ સેવા મફત શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે 500 લેબ ટેસ્ટ થઈ ગયા છે. એસોસિયેશન ઓફ સેલ્ફ એમ્પ્લોઈઝ પેરામેડિકલ (પેથોલોજી) લેબોરેટરી ઓફ ગુજરાતના ટ્રસ્ટી મિહિર અંજારિયા અને સંગઠનના કચ્છના પ્રમુખ રજનીકાંત નકુમ તેમજ રાજ્યના ઈસી સભ્ય ચિરાગ કોઠારીનો આ બાબતે મોબાઈલ પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે  સરકારના આવા આયોજનમાં લેબ ટેકનિશિયનો નૈતિક ફરજ સમજીને સહયોગ આપવા તૈયાર છે. સીડીએચઓ ડો. કન્નરને સહમતી અપાઈ છે અને સરકાર સાથે ટોકન દર નક્કી કરવાનું તેમના પર છોડાયું છે. લેબ સંગઠન સાથે 57 ખાનગી લેબોરેટરી જોડાયેલી છે જેમાં સૌથી વધુ 16 ભુજમાં, અંજારમાં 11, ગાંધીધામમાં 8 અને આદિપુરમાં 6, માંડવીમાં 8, મુંદરા અને રાપરમાં ત્રણ-ત્રણ જ્યારે નખત્રાણા તેમજ ભચાઉમાં એક-એક લેબ આવેલી છે. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં લેબોરેટરીઓ ઊભી કરાઈ છે પણ કોઈ કારણસર ત્યાં સીબીસી પરીક્ષણ શક્ય ન હોય તો દર્દીઓને ખાનગી લેબોરેટરીનો ખર્ચ ઉઠાવવો પડતો હતો. તેમાંથી આ નિર્ણયના કારણે રાહત મળશે. તાવના મુખ્યત્વે ગરીબ દર્દીઓને આર્થિક ભારણની ઊઠેલી ફરિયાદોનો આ પગલાંથી ઉકેલ આવ્યો છે. સા.આ. કેન્દ્ર, પ્રા.આ. કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર તેમના લેટરપેડ પર સિક્કો મારીને આપશે તેવા દર્દીને નજીકની ખાનગી લેબોરેટરી કોઈ ચાર્જ વિના સીબીસી કરી આપશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer