દુધઇ પંથકમાં ખેડૂતોની આશા પર કમોસમી કરારૂપી `પાણી'' ફરી વળ્યું

નવી દુધઇ (તા. અંજાર), તા. 16 : પંથકના અમરાપર, દેવીસર સહિતના ગામોમાં થયેલા કમોસમી કરારૂપી વરસાદથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. પ્રતિનિધિ સમક્ષ વ્યથા ઠાલવતાં પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે, દુધઇની ઉત્તરાદે આવેલા દેવીસર ગામે ખેડૂતો દ્વારા અંદાજે 1000થી 1200 એરકરમાં એરંડા, જુવાર, મગ, મઠ, જાર સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ગુરુવારે  આવેલા કરારૂપી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. દેવીસરની સીમમાં મેરા કરણા રબારી, સાકરા રબારી અને દેવા મેરા રબારીની અંદાજે 25થી 30 એકર કપિત જમીન આવેલી છે. જેમાં લાખોના ખર્ચે એરંડા અને જુવારનું વાવેતર કર્યું હતું. પરિવારનો આધારસ્તંભ આ પાક નિષ્ફળ જતાં અડધા કરોડ જેટલી નુકસાની સહેવાનો વારો આવ્યો છે. જ્યારે હમીર રાખ્યા ખુંગલા, સામતભાઇ ખુંગલા, મ્યાજરભાઇ ખુંગલાએ 40 એકરમાં એરંડા, જુવાર વાવ્યા હતા તેનો સોથ વળી જતાં આ ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ 2 કિલો બિયારણ થેલીના રૂપિયા 500 સાથે મજૂરી કરી લાખો રૂપિયાનું બિયારણ ઓર્યું હતું. તેમજ બેન્કોમાંથી લોન લઇને આ જમીનને ચોમાસાની સિઝનમાં સોળે કળાએ ખીલે એવા પાકથી સુશોભિત કરી હતી. પરંતુ વરસાદમાં પત્થરરૂપી કરા અને ભારે પવનના કારણે  ઊભેલો પાક સાવ જમીનદોસ્ત થઇ ગયો હતો. ખેડૂતોએ જણાવ્યું કે, બેન્કોમાંથી લોન લીધી તે ચૂકવવાના પણ હવે સાંસા થઇ પડશે. ભૂકંપ,વાવાઝોડામાં પણ આવી નુકસાની અમે જોઇ નથી. આ પાકને જોઇને ખેડૂતોની આંખમાંથી અશ્રુઓની ધારા વહી નીકળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer